- સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારની જાહેરાત
- હોસ્પિટલના વડાએ તાત્કાલિક પોલીસને જાણ કરવી ફરજિયાત
- કોલકાતાના ડૉક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડૉક્ટરો ગુસ્સે
ડૉક્ટરો સાથે હિંસા થાય તો હવે ખેર નથી. સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી છે ગાઇડલાઇન. તાજેતરમાં જ જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ શું કાર્યવાહી થશે. અમદાવાદના એલ.જી. હોસ્પિટલમાં ડૉક્ટર સાથે દર્દીના સગાએ મારામારી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસા થાય તો મેડિકલ કોલેજના વડાએ તાત્કાલિક પોલીસને જાણ કરવી ફરજિયાત રહેશે અને 6 કલાકમાં ફરિયાદ દાખલ કરવાની રહેશે.
કોલકાતાના ડૉક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડૉક્ટરો ગુસ્સે થયા છે. દેશભરમાં ડૉક્ટરો અને નર્સો હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડૉકટરોની માગ છે કે કેન્દ્ર સરકાર તમામ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા કેન્દ્ર સરકારે શુક્રવારે આદેશ જાહેર કર્યો છે કે જો કોઈ ડૉક્ટર સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેના માટે મેડિકલ કોલેજ અથવા હોસ્પિટલના વડા જવાબદાર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર FRI દાખલ કરવામાં આવે. જો આમ ન થાય તો મેડિકલ કોલેજના વડા સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
ડૉક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માગ
ખરેખર હડતાળ પર ઉતરેલા તબીબોની સૌથી મહત્વની માગ એ હતી કે કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા માટે કાયદો પસાર કરવો જોઈએ. તેમના કહેવા પ્રમાણે, દરરોજ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો પર હુમલો કરવામાં આવે છે. તેમના જાન-માલ સાથે રમત રમાઈ રહી છે. આવી સ્થિતિમાં ડૉક્ટરોની માગ હતી કે એક કાયદા દ્વારા કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ડૉક્ટરોની સુરક્ષા માટે યોગ્ય કાયદો બનાવે.
હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોએ આ માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને પત્ર પણ લખ્યો હતો અને કેન્દ્ર સરકારે ડૉકટરોને સમર્થન આપવાની અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. જો કે, આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કોઈ કાયદો લાવવાની કોઈ વાત કરવામાં આવી નથી, પરંતુ આજે કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે હેઠળ, આરોગ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસા થશે તો, મેડિકલ કોલેજના વડા. તાત્કાલિક પોલીસને જાણ કરવી ફરજિયાત છે અને ઘટનાની FIR નોંધવી પણ જરૂરી રહેશે.
અમદાવાદની LG હોસ્પિટલમાં ડૉકટર પર હુમલો
અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં કેજ્યુલિટી વોર્ડમાં દર્દીના સગાએ ઝપાઝપી કરી હતી. દર્દીના સગાએ ડૉક્ટરનું ગળું પકડી ઝપાઝપી કરી હતી. કેસ કઢાવવાનું કહેતા દર્દીના સગા ઉશ્કેરાયા હતા. ડૉક્ટર અને સહકર્મીને જોઈ લેવાની ધમકી આપી હતી. મણિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષાના દાવા વચ્ચે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડૉકટર પર હુમલાની ઘટના જોવા મળી છે. કેજ્યુઅલ્ટી વોર્ડમાં દર્દીના સગાએ ડૉક્ટરનું ગળું પકડી ઝપાઝપી કરી હતી. સારવાર કરવા માટે ડૉક્ટર પર દબાણ કરી દર્દીના સગાએ ઝપાઝપી કરી હતી, કેસ કઢાવવાનું કહેતા ઉશ્કેરાયેલા સગાએ ડૉક્ટર અને સહકર્મીઓને જોઈ લેવાની ધમકી આપી. ફરજ પર રહેલા તબીબને મારવાની ઘમકી આપતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે.