GUJARAT

Ahmedabad: સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો જાહેર

રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક, મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોમાં શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફ્તે ઓનલાઇન સોફ્ટવેરના માધ્યમથી અરજી કરવાની રહેશે.

આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલવાની રહેશે.નિયમો મુજબ નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી છેલ્લી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

જિલ્લા ફેર-બદલીઓ અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરિટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક કે મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ, વિધવા, ત્યક્તા, વિધુર માટે 8 પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10-12માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લઇ વધુમાં વધુ 10 પોઇન્ટ્સ આપવામાં આવશે. 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગ શિક્ષકોએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષકને પતિ-પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસો, બોર્ડ, કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફીક્સ પગાર કે નિયમિત નિમણૂંકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે.વિધવા, વિધુર, ત્યક્તાના કિસ્સામાં તેઓએ વિધવા કે વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ન કર્યાનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. ગંભીર રોગોના કિસ્સામાં જિલ્લા ફેર-બદલીઓ કરવાની સત્તા ફ્ક્ત સરકાર કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવે છે. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષકને બે વાર મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button