પતિ-પત્ની વચ્ચે ફાઇનલ ડિવોર્સ નહીં થયા હોઇ પરંતુ બંને એકબીજાથી છેલ્લા ઘણા સમયથી અલગ રહેતા હોઇ એક માતાએ તેની સગીર પુત્રી માટે પાસપોર્ટ ઇસ્યુ કરી આપવા દાદ માંગતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર રાખી છે. જસ્ટિસ અનિરૂધ્ધા માયીએ પાસપોર્ટ ઓથોરિટીને અરજદાર માતાની અરજી પર પાસપોર્ટ રૂલ્સની જોગવાઇઓ ધ્યાને લઇ આઠ સપ્તાહમાં નિર્ણય લેવા અને તેને બાળકીનો પાસપોર્ટ ઇસ્યુ કરી આપવા હુકમ કર્યો હતો.
અરજદાર માતા તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર અને તેના પતિ છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે. બંને વચ્ચેના ડિવોર્સની પિટિશન ચાલી રહી છે. પરંતુ બંનેના ઔપચારિક રીતે છૂટાછેડા થયા નથી. સગીર પુત્રી અરજદાર માતા પાસે હોઇ અને બાળકીના જૈવિક પિતાએ બાળકીને લઇ તમામ હક્કો જતા કર્યા હોઇ અરજદારે પાસપોર્ટ ઓથોરિટીને સગીર પુત્રીના પાસપોર્ટ માટે એપ્લાય કર્યું હતું. કારણ કે, તેનો પાસપોર્ટ એપ્રિલ-2024માં પૂર્ણ થતો હતો.
પરંતુ પાસપોર્ટ ઓથોરિટીએ અરજદારના પતિની સંમતિ લાવવાનો આગ્રહ રાખ્યો હતો અને તે વિના પાસપોર્ટ ઇસ્યુ કરવાની ના પાડી હતી. અરજદાર માતા તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, અરજદાર દ્વારા તેની પુત્રીના પાસપોર્ટ માટે તેના પતિની સંમતિ મેળવવી શકય નથી કારણ બંને વચ્ચે છૂટાછેડાની પિટિશન ચાલી રહી છે. વળી, પાસપોર્ટ રૂલ્સ-1990ના શિડયુલ-3ના રૂલ-4(એ)(3)(એ) મુજબ, સિંગલ પેરેન્ટ પણ બાળકના પાસપોર્ટ માટે એપ્લાય કરી શકે છે. હાઇકોર્ટે અરજદાર પક્ષની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ તેમ જ પાસપોર્ટ રૂલ્સની સંબંધીત જોગવાઇ ધ્યાને લઇ અરજદાર માતાની સગીર પુત્રીનો પાસપોર્ટ ઇસ્યુ કરવા આઠ સપ્તાહમાં નિર્ણય લેવા પાસપોર્ટ ઓથોરિટીને હુકમ કર્યો હતો.
Source link