GUJARAT

Ahmedabad: યુવાનોમાં હિપ-રિપ્લેસમેન્ટ ઓચિંતું વધ્યું, 80% દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના

કોરોના મહામારી પછી યુવાનોમાં અચાનક હિપ-રિપ્લેસમેન્ટ સર્જરીનું પ્રમાણ વધ્યું છે, કોરોનાની બીમારી અને સારવાર દરમિયાન સ્ટીરોઇડના વધુ પડતા ડોઝ પણ આ માટે કારણભૂત મનાય છે, આ ઉપરાંત વધુ પડતો દારૂ પીવા જેવા કારણ પણ જવાબદાર છે. કોવિડ પહેલાં ખાનગી હોસ્પિટલમાં જ્યાં દર મહિને 20 હિપ રિપ્લેસમેન્ટ સર્જરી થતી હતી તે વધીને 26થી 30 આસપાસ પહોંચી છે એટલે કે 45 ટકા જેટલો વધારો થયો છે, આવી જ સ્થિતિ અન્ય હોસ્પિટલોની છે, એટલું જ નહિ પરંતુ સર્જરી કરાવનારા 80 ટકા દર્દી 50 વર્ષથી ઓછી વયના છે. સરકારી હોસ્પિટલના તબીબનું કહેવું છે કે, થાપાના બોલમાં લોહી ફરતો બંધ થાય, સાંધો ખરાબ થાય તેવા 95 ટકા જેટલા દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજે સારવાર માટે આવતાં હોય છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે, હિપ રિપ્લેસમેન્ટના દર 20માંથી ત્રણથી ચાર દર્દી કોવિડ હિસ્ટ્રી વાળા જોવા મળ્યા છે અને એમાંય યુવાનો વધુ છે. પાંચેક વર્ષ પહેલાં 40થી 50 વર્ષે આવા ઓપરેશન વધારે થતાં હતા પરંતુ અત્યારે 20થી 30 વર્ષના યુવાનોનું પ્રમાણ પણ ખાસ્સું વધ્યું છે. હિપ રિપ્લેસમેન્ટ કરાવનારા 50 ટકા દર્દી એવા પણ સામે આવ્યા છે કે એક નહિ બે હિપમાં રિપ્લેસમેન્ટ કરાવવું પડયું છે. શરૂઆતના તબક્કે જ સારવાર કરાય તો સર્જરી ટાળી શકાય તેમ છે, આમાં મહિલા કરતાં પુરુષ દર્દીની સંખ્યા વધારે છે, જેમને ચાલવામાં, પલાઠી વાળવામાં તકલીફ રહે છે.

ઊઠવા-બેસવા અને ચાલવામાં તકલીફ ક્યારે પડે?

થાપાના ભાગમાં ગોળો હોય છે, તેમાં અનેક નસ હોય છે, વધુ પડતાં દારૂના સેવન વગેરે કારણસર નસો સંકોચાવા લાગે છે, જેથી ગોળાને પોષણ મળતું નથી અને ધીરે ધીરે નસો સુકાવા લાગે છે, ગોળાની સાઈઝ નાની થાય છે. ઘસાતા થાપાના સોકેટમાં ઘસરકા પડે છે. આ સ્થિતિમાં ચાલવાનું, ઊભા થવાનું કે પછી બેસવાનું ભારે મુશ્કેલ થઈ જાય છે.

કઈ સ્થિતિમાં રિપ્લેસમેન્ટ કરાવવું પડે

અમદાવાદની સરકારી સ્પાઈન ઈન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડો. પિયૂષ મિત્તલે જણાવ્યું કે, થાપાના બોલમાં લોહી ફરતું બંધ થાય, સાંધો ખરાબ થાય, સાંધાના ઘસારાના કારણે વધુ પડતો દુખાવો જેવી સ્થિતિમાં રિપ્લેસમેન્ટની નોબત આવે છે. સિવિલ કેમ્પસમાં દર વર્ષે આવા 200 જેટલા દર્દી નોંધાય છે, યુવાનોમાં આ બીમારી ખાસ્સી વધી છે.

શોર્ટ ટર્મમાં બોડી બનાવવા જીમમાં સ્ટીરોઇડનો ઉપયોગ જોખમી

તબીબોનું કહેવું છે કે, શોર્ટ ટર્મમાં બોડી બનાવવા માટે યુવાનો જીમમાં સ્ટીરોઇડનો ઉપયોગ કરતાં હોય છે, જે જોખમી હોઈ આવા અખતરા ટાળવા જોઈએ. કોઈ બીમારીની સારવાર ચાલતી હોય અને સ્ટીરોઈડનો વધુ ઉપયોગ પણ નુકસાન નોતરે છે.

કોવિડ પછી ફેફસાંના ઈન્ફેક્શનના કેસ 35% વધ્યા, હાર્ટ એટેક ઈમરજન્સી 16% વધી

કોરોના પછી યુવાનોમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે, થાપાની તકલીફ જ નહિ પરંતુ હૃદય રોગ અને ફેફસાં સહિતની અનેક બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. હૃદય રોગ અને તેમાં અચાનક મોતના કિસ્સા સામે આવતાં રહે છે. ગુજરાતમાં વર્ષ 2024ના આઠ માસમાં જ 54,721 લોકોને હૃદય રોગ સંબંધિત તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા. એકંદરે ગત વર્ષની તુલનાએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં 16 ટકા જેટલા કેસ વધ્યા છે. કોરોનામાં લોકોના ફેફસાં પર સીધી અસર થઈ હતી અને તેના લીધે ટીબી ક્ષયના દર્દીમાં ઉમેરો થયો હતો. કોવિડ પછી ફેફસાંના ઈન્ફેક્શનના કેસમાં 35 ટકા વધારો થયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button