દરેક સિઝનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) અલગ અલગ પાકને લઈને ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરે છે. ગુજરાતમાં ખરીફ્ પાકો બજારમાં આવતા થયા છે ત્યારે યુનિવર્સિટીએ કપાસના પાક માટે ખેડૂતોને કપાસનો સ્ટોક ન કરવા અને સમયસર પાકનું વેચાણ કરવાની સલાહ આપી છે.
JAU કૃષિ અર્થશાસ્ત્ર્ર વિભાગની રિસર્ચ ટીમના મતે પાકની સ્થિતિ સારી છે તે જોતાં આ વર્ષે કપાસના ભાવ ટેકાના ભાવ (MSP) આસપાસ રહેશે.
રિસર્ચ ટીમે ગોંડલ અને રાજકોટ APMCના કપાસના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કર્યું હતું. જે મુજબ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન કપાસની કિંમત રૂ. 1,460થી 1,600 પ્રતિ મણની રેન્જમાં રહી શકે છે. આથી, ખેડૂતોને સંગ્રહ ન કરીને લણણી કરી પાક વેચી દેવા સૂચન કર્યું હતું. આ વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઓછું રહેશે, પરંતુ વિશ્વસ્તરે અને ખાસ કરીને અમેરિકામાં ઊંચું ઉત્પાદન થશે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવને દબાવશે, ભારતથી ઓછી નિકાસનું કારણ બનશે. આથી, નજીકના ભવિષ્યમાં કપાસના ભાવ વધે તેવી શક્યતાઓ ઓછી છે. ચાલુ વર્ષમાં ખરીફ્ સિઝનમાં ગુજરાતમાં વધુ વરસાદ પડયો હતો અને જુલાઈના ત્રીજા અઠવાડિયામાં કપાસની વાવણી પૂર્ણ થઈ હતી, જેમાં વાવેતર 3 લાખ હેક્ટર ઘટીને 24 લાખ હેક્ટર થયું હતું. પહેલા એડવાન્સ એસ્ટિમેટ મુજબ રાજ્યમાં કપાસનું ઉત્પાદન અંદાજે 88.22 લાખ ગાંસડી થશે, જે 2023-24માં 92.48 લાખ ગાંસડી હતું. પાકની સ્થિતિ સારી છે, તેના પરિણામે અંદાજ કરતાં સામાન્યથી સારી ઊપજ મળશે. ગયા વર્ષે, ભારતથી કપાસની નિકાસ વધી હતી અને આયાત ઘટી હતી તેથી ઓક્ટોબર 2023માં મણ દીઠ રૂ. 1,420ની આસપાસ ભાવ હતો. એપ્રિલમાં ભાવ વધીને રૂ. 1520 થયો હતો.
Source link