AMC માં વટવાના આવાસકાંડને લઇને દિવસ દરમિયાન રાજકીય ડ્રામાં જોવા મળ્યો હતો. આ અંગે વિપક્ષે દાણાપીઠ મ્યુનિ.કચેરી ખાતે દેખાવ કર્યા હતાં. બીજીતરફ હોબાળા બાદ સત્તાપક્ષના હોદ્દેદારોએ મિડીયાના માધ્યમથી જાણકારી મળી હોવાનું જણાવી થોડાક સમય પહેલા જ ચાર્જ સંભાળનાર અધિકારીને મિડીયા સમક્ષ ધરી દીધા હતાં. આવાસ તોડવા માટે મહત્વના સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ જોયા વગર મહિલા મેયરએ હાથ ખેંખરી લેતા વિપક્ષે સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે.
અધિકારીઓએ નવાનકોર મકાનોની જાળવણી નહીં કરાતા કાટમાળની ચોરી થઇ અને જર્જરીત થતાં મકાનો તોડી પાડવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છેકે, નવા બંધ મકાનોની જાળવણી નહીં થતાં જર્જરીત થયા અને અંતે તોડી પડાતા પ્રજાના 182 કરોડ સ્વાહ થઇ ગયા છે, પ્રજાના નાણાંનો દૂરુપયોગ કરી ભ્રષ્ટચાર આચનાર છટકી ગયા છે. હાલમાં 224 આવાસોમાં રહેતા કુટુંબો સુરક્ષિત છેકે નહીં ? તેની મ્યુનિ.એ કોઇ સ્પષ્ટતા કરી નથી.
ઉલ્લેખનીય છેકે, ગત 15મી જુલાઇ-2023થી 1664 મકાનો તોડી પડાયા છે અને હવે કાંડ બહાર આવતા વિવાદ વકર્યો છે.
મને જાણકારી નથી, કમિ.ને તપાસ માટે જાણ કરી છેઃ મેયર
આ અંગે મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, વટવાના આવાસ અંગે મને કોઇ જાણકારી નથી. મીડિયાના માધ્યમથી જ મને જાણકારી પ્રાપ્ત થઇ છે. હું કમિશનરને તપાસ માટે જાણ કરીશ.
મકાન તોડવાનો કોઇ ખર્ચ નહીં થાયઃ ડે.મ્યુનિ.કમિશનર
વટવામાં 6 ફેઝમાં 8960 મકાનો બનાવાયા હતાં. આમાંથી વર્ષ 2014માં 5 ફેઝના 1888 મકાનો બનવાની શરૂઆત થઇ અને 2017માં મકાનો તૈયાર થયા હતાં. આ પછી 1664 મકાનો ખાલી હતાં. ખાલી મકાનોમાંથી ઇલેક્ટ્રીકલ સામાન સહિત સ્લેબ તોડીને સળીયાની ચોરી કરીને જર્જરીત કરી દેવાયા હતાં. મ્યુનિ.ના સ્ટ્ર્કચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ 1,664 મકાનો તોડી પડાયા છે. મકાન તોડવાનો કોઇ ખર્ચ નહીં થાય. મકાનનો કાટમાળ કોન્ટ્રક્ટર લઇ જશે, જેની મ્યુનિ.ને તોડવાનો ખર્ચ ભોગવવો નહીં પડે. 224 મકાનો રહેવા લાયક છેકે નહીં ? તેની હાલ મને જાણકારી નથી.
કોન્ટ્રાક્ટરને બચાવવા નવા મકાનોમાં ચોરીનું નાટકઃવિપક્ષ
કેન્દ્રની સરકારે 2011માં ગરીબ આવાસ માટે 182 કરોડથી વધુ રકમ ફાળવી હતી. જેમાંથી વટવા ખાતે 2200 મકાનો બનાવ્યા હતાં. મકાનો લોકોને આપવાના બદલે મુકી રખાયા અને અંતે જર્જરીત થતાં ભ્રષ્ટાચારને ઢાંકવા તોડી નાંખવા કાર્યવાહી કરાઇ છે. 2011માં બનેલા આવાસ 15 વર્ષ સુધી કેમ ફાળવવામાં આવ્યા નહીં ? હવે મકાન તોડવાના આદેશ આપી કોન્ટ્રાક્ટરને બચાવ કરવાના બદલે તેની પાસે ફરી મકાનો બંધાવવા જોઇએ. મ્યુનિ.શાસકપક્ષ ગોળ ગોળ જવાબ આપી કૌભાંડ પર ઢાંક પિછોડો કરી રહ્યું છે.
Source link