મેગાસિટી અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન મેટ્રોએ રાતના 2 વાગ્યા સુધી ટ્રેન દોડાવીને મુસાફરોને સવલત પુરી પાડવાના લીધેલા નિર્ણયને શહેરીજનોએ વધાવી લીધો હતો. નવરાત્રિ દરમિયાન કુલ 10.71 લાખ મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી.
સામાન્ય રીતે રાતના 10 વાગ્યે મેટ્રોનું સંચાલન બંધ કરી દેવાય છે ત્યારે આ વર્ષે પ્રથમ વખત તા. 5 થી 11 ઓક્ટોબર દરમિયાન સવારના 6:20 થી સળંગ રાતના 2 વાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવી હતી. રોજના સવા લાખ જેટલા મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો.નવરાત્રિમાં મોડી રાત સુધી ચાલતા ગરબાને ધ્યાને લઇને મેટ્રો ટ્રેનોનું સંચાલન ચાર કલાક વધારી રાતના બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટો પર દોડાવાઇ હતી. થલતેજથી વસ્ત્રાલ ગામ અને મોટેરા સ્ટેડિયમથી એપીએમસી સુધી મેટ્રો ટ્રેન બે વાગ્યા સુધી દોડી હતી. પ્રત્યેક 20 મિનિટે ટ્રેન મળી રહે તે રીતે મેટ્રો ટ્રેનોના શિડયુલ ગોઠવાયા હતા. જેમાં મેટ્રોના તમામ કર્મચારીઓને સેવામાં લગાવાયા હતા. આ અંગે મેટ્રોના અધિકારીના જણાવ્યા મુજબ શહેરના એક છેડેથી બીજા છેડે જવામાં મુસાફરો માટે મેટ્રોની સેવા સસ્તી અને સલામત રહેતા રોજના સવા લાખ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. સામાન્ય દિવસોમાં એક લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે.
રાતના 10 થી 2 વાગ્યા દરમિયાન એવરેજ બે હજારથી વધુ મુસાફરોએ રોજની મુસાફરી કરી હતી. જેને લઇને મેટ્રોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
Source link