- MP-MLA સંકલન બેઠકમાં રાયફલ ક્લબ પાસેની પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની બિલ્ડિંગને તોડવા રજૂઆત
- કલેક્ટરે અશાંતધારો ભંગ થયો હોવાનું જણાવ્યું: ધારાસભ્ય અમિત શાહ
- બીજી તરફ શહેરમાં AMCની ફોગિંગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ
અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યુસુદ્દીન શેખના બિલ્ડિંગને તોડી પાડવા માટે રજૂઆત કરી છે. MP-MLA સંકલન મિટિંગ દરમિયાન ધારાસભ્ય અમિત શાહે રાયફલ ક્લબ પાસે આવેલી પૂર્વ ધારાસભ્યની બિલ્ડીંગને તોડવા માટે કમિશનરને રજૂઆત કરી છે.
કલેકટરે દસ્તાવેજો રદ કરવા પણ આપી છે સૂચના: અમિત શાહ
ધારાસભ્ય અમિત શાહે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે અગાઉ કલેક્ટરને આ બિલ્ડિંગ માટે અશાંત ધારા હેઠળ તપાસ માટે રજૂઆત કરી હતી. ત્યારે કલેક્ટર દ્વારા આ મામલે અશાંત ધારા ભંગ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. કલેક્ટરે આ માટે દસ્તાવેજો રદ કરવા પણ સૂચના આપી છે. કલેક્ટરના એક્શન બાદ AMC પણ આ બિલ્ડિંગનો પ્લાન રદ કરે અને બિલ્ડિંગને તોડી પાડે તેના માટે રજૂઆત કરવામાં આવી છે.
AMCની ફોગિંગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ
બીજી તરફ શહેરમાં ચોમાસા દરમિયાન AMC દ્વારા થતા ફોગિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ લાગી રહ્યા છે. આ અંગે પણ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુદ્દો ઉઠાવ્યો છે. MP-MLA સંકલન બેઠકમાં જ આ ભ્રષ્ટાચારના આરોપનો મુદ્દો ઉઠાવ્યો હતો.
માત્ર ગ્રાઉન્ડમાં ફોગિંગ કરીને આખી સોસાયટીનું બિલ મૂકાય છે
ધારાસભ્યએ આ અંગે કહ્યું કે એપાર્ટમેન્ટમાં ફોગિંગ માટે ટીમ જાય છે, ત્યારે માત્ર ફલેટોમાં નીચે જ ફોગિંગ કરે છે. ઘરોમાં ફોગિંગ માટે એજન્સીના કર્મચારીઓ અલગ અલગ બહાના બનાવે છે. આ કર્મચારીઓ ફોગિંગ માત્ર ગ્રાઉન્ડમાં કરે છે અને આખી સોસાયટીમાં ફોગિંગ કર્યાનું બિલ મૂકે છે. ત્યારે ધારાસભ્ય અમિત શાહે ફોગિંગ મુદ્દે પણ તપાસ કરવા કમિશનરને રજૂઆત કરી છે.
અગાઉ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગૌચરની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગૌચરની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમને સવાલ કરતા કહ્યું હતું કે ગૌચરની જમીન પર કરાયેલા દબાણો કેમ દૂર નથી કરાતા? દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કેમ નહીં? ત્યારે ખેડાવાલાના સવાલો પર જિલ્લા કલેક્ટરે જવાબ આપતા કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં 66 ગૌચરની જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે.
Source link