
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ભારે વરસાદ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ પર એક મોટું ઝાડ પડી ગયું. આ અકસ્માતમાં પાંચ લોકોના દુઃખદ મોત થયા, જ્યારે ઘણા ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઝાડ પડયા બાદ રસ્તા પર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે ગયા અને બચાવ કામગીરી હાથ ધરી અને રસ્તો ક્લિયર કરાવ્યો. આ દરમિયાન લોકોએ બસમાં ફસાયેલી એક મહિલા મુસાફરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
આના પર તેણીએ કહ્યું- ‘અહીં જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે અને તમે વીડિયો બનાવી રહ્યા છો, જો તમે આવીને ઝાડની ડાળી દૂર કરવામાં મદદ કરી હોત તો અમે બહાર આવી ગયા હોત.’ ત્યારબાદ ભીડે વીડિયો શૂટ કરી રહેલા છોકરાને ત્યાંથી દૂર ખસેડ્યો.
મુસાફરોથી ભરેલી બસ પર પડ્યું ઝાડ
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બારાબંકી -હૈદરગઢ રોડ પર હરખ રાજા બજાર પાસે થયો હતો. મુસાફરોથી ભરેલી બસ અહીંથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ઝાડ તેના પર પડી ગયું.
લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીમાંથી કૂદતા જોવા મળ્યા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં CMOએ હાલમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.