જેન્ડર અસમાનતા માત્ર મહિલાઓ પૂરતુ બાધક બનતુ નથી પરંતુ કેટલાક સંજોગોમાં પુરૂષ પણ તેનો ભોગ બને છે. કાર્યસ્થળે સ્ત્રી અને પુરુષ સમાનતાથી અને ખાસ કરીને સ્ત્રી સલામતીથી સંસ્થાના ધ્યેય સિદ્ધ કરવા કામ કરી શકે તે માટે જેન્ડર ન્યુટ્રલ વર્ક પ્લેસ અનિવાર્ય છે એમ અત્રે ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું.
જેન્ડર સેન્સિટાઇઝેશન કાર્યક્રમ – ‘અહેસાસ ન્યાય કા સબ કે લીયે’ના નામથી અનોખી ઝુંબેશનો પ્રારંભ કરાવતા ચીફ્ જસ્ટિસે આ મુજબ જણાવ્યુ હતું. બાળકોનું જાતીય શોષણ અને જાતીય સતામણી એ ગંભીર સામાજિક પ્રશ્ન છે અને આ સંવેદનશીલ મુદ્દે સમયાંતરે બાળકોને સમજ અને જાગૃતિ આપવા પર ચીફ્ જસ્ટિસે ભાર મૂકયો હતો. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક અને ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ઉમેર્યુ કે, આજે સમગ્ર દેશમાં સૌપ્રથમવાર આટલા મોટા સ્વરૂપે જેન્ડર સેન્સીટાઇઝેશનની ઝુંબેશ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે તે એક ગૌરવની વાત છે. હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ બીરેન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજયની તમામ અદાલતોના ન્યાયાધીશો, અધિકારીઓ તેમ જ કર્મચારીઓ માટે જેન્ડર સેન્સિટાઇઝેશન ઝુંબેશનો આજે ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે પ્રારંભ કરાવાયો હતો. જેના મુખ્ય વકતા તરીકે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના ડીન શ્રીમતી ભાવના મહેતા દ્વારા જેન્ડર સ્ટીરીયોટાઇપ્સનીઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ ડો.રાકેશ શંકર, હાઇકોર્ટના 645થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટની આંતરિક ફ્રિયાદ સમિતિ માટેની સત્તાવાર વેબસાઇટનું ઉદઘાટન કર્યું હતું.
Source link