અમદાવાદમાં પોલીસની દારુની મહેફિલ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયોમાં જોવા મળી રહેલા બાઈક માલિક સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. ASI વિનોદ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ જુજારસિંહ પગી, રાજુભાઈ બારીયા અને પોલીસકર્મી અમિતસિંહ ગોલ પણ ફરાર થઈ ગયા છે અને હાલમાં ફરાર પોલીસકર્મીઓની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓ મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા છે. અમદાવાદની માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માધુપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
અમદાવાદ શહેરમાં જાણે પોલીસને જ કાયદાનો ડર ન હોય અથવા કાયદો તોડવાની છુટ મળી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. તેથી જ પોલીસ કર્મી ધોળા દિવસે અને પોલીસ કમિશ્નરના નાક નીચે જાહેરમાં દારુની મહેફિલ માણી રહ્યાા હતા. જોકે સંદેશ ન્યુઝે આ અંગે ખુલાસો કરતા હવે પોલીસ દોડતી થઈ હતી અને હાલમાં આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના શાહિબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર કચેરીની સામે જાહેરમાં દારુની મહેફિલ માણનારા પોલીસ કર્મીને ઝડપી લેવામાં આવ્યા છે. સરાજાહેર કાયદો તોડી ધોળા દિવસે દારુની મહેફિલ માણનાર અન્ય કોઈ નહીં પરંતુ આ પોલીસ કર્મચારીઓ જ હતા અને આ તમામ લોકો શહેર પોલીસ કમિશ્નર કચેરીની બહાર જ દારૂની પાર્ટી કરી રહ્યા હતા. જે દારુડીયા પોલીસની મહેફિલ પર સંદેશ ન્યુઝે અહેવાલ જાહેર કરતા પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ પોલીસ કમિશ્નર દ્વારા જ આપવામાં આવ્યા હતા.
અન્ય આરોપી પોલીસકર્મી મોબાઈલ ફોન બંધ કરીને ફરાર
સંદેશ ન્યુઝે પોલીસની દારુની મહેફિલ જાહેર કર્યા બાદ માધુપુરા પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં વીડિયોમાં દેખાઈ રહેલુ બાઈક વાણંદ કામ કરનાર સંજય નાયીનું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તેની પુછપરછ કરી છે. જો કે વીડિયોમાં જોવા મળી રહેલા તમામ પોલીસ કર્મી પોતાના મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
10 જેટલી દારુની ખાલી બોટલો મળી આવી
દારુની મહેફિલ માણનાર પણ પોલીસ, મહેફિલની તપાસ કરનાર પણ પોલીસ , આદેશ આપનાર પણ પોલીસ અધિકારી છે તો બીજી તરફ જ્યાં દારુની મહેફીલ યોજાઈ હતી. ત્યાં એક બે નહી પરંતુ 10 જેટલી દારુની ખાલી બોટલો મળી આવી છે. હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
Source link