AMCમાં ફરજ બજાવતા વર્ગ- 2 અને વર્ગ-3ના કર્મચારીઓ માટે તા. 15 ઓક્ટોબર, 2024થી બાયોમેટ્રિક્સ હાજરી અને સ્માર્ટ સિટી 311 મોબાઈલ એપ મારફતે હાજરી પૂરવાનું ફરજિયાત બનાવવાની હિલચાલ સામે અમદાવાદ મ્યુનિ. એન્જિનીયર્સ એસોસીએશને વિરોધ નોંધાવ્યો છે અને જો કર્મચારીઓને પગાર કપાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
ફિલ્ડ ડયુટી બજાવતા, ચૂંટણી, સચિવાલય, ગુજરાત માહિતી આયોગ, લવાદી પંચ, મધ્યસ્થી પંચ, કોર્ટ, સરકારી અને જાહેર કાર્યક્રમો, નવા રોડ બનાવવા, રોડ રીસરફેસની કામગીરી તેમજ યંત્રોના પરીક્ષણ માટે AMCની બહાર જતા અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે હાજરી પૂરવા સંબંધિત વિસંગતતા દૂર કરવાની એસોસીએશને માગણી કરી છે. સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં માનવ મેદની એકત્રીત કરવા સમયે અધિકારીઓ- કર્મચારીઓ પોતાના કાર્યસ્થળે જતાં નથી તો તેવા સંજોગોમાં તેમની હાજરી કઇ રીતે પુરવાની તે સ્પષ્ટ થતું નથી અને તે સંજોગોમાં તેમનો પગાર કપાય તેવી શક્યતા છે. AMC પ્રિમાઈસીસની બહાર ફિલ્ડ ડયુટી કરનારા કર્મચારીઓને હાજરી પૂરવા બાબતે કેટલીક સ્પષ્ટતા કરવા અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં AMC કમિશનર એમ. થેન્નારસને વર્ગ- 2 અને વર્ગ-3ના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક્સ હાજરી અને મોબાઈલ એપ મારફતે હાજરી પૂરવાનું ફરજિયાત બનાવવા માટે સરક્યુલર જારી કર્યો છે. મ્યુનિ. એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા કમિશનરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં બાયોમેટ્રીક્સ હાજરીને કારણે કર્મચારીઓના પગાર કાપવાની બાબતનો વિરોધ કરાયો છે.
Source link