- લગ્નના 6 દિવસે યુવતી ખરીદી કરવાના બહાને જવેલર્સની દુકાનમાંથી ફરાર થઈ ગઈ હતી
- યુવતી ફરાર થઈ જતા પરિવારે કૌટુંબિક સંબંધીને સંપર્ક કરતા આ લૂંટેરી દુલ્હનનું રેકેટ સામે આવ્યુ
- પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેરમાં ફરી લૂંટેરી દુલ્હન અને ગેંગએ છેતરપિંડી આચરી છે અને 36 વર્ષના યુવક પાસેથી લગ્નના નામે રૂપિયા 2.50 લાખ પડાવ્યા છે. ઈસનપુર પોલીસે લૂંટેરી દુલ્હન અને દંપતીની ધરપકડ કરી છે. લૂંટેરી દુલ્હન સોનાના મંગળસૂત્રની લાલચમાં મહારાષ્ટ્રથી અમદાવાદ આવતા ઝડપાઈ છે.
આરોપી ઉષા પંડિત અરવિંદ ઉર્ફે બકાના અને માલતીબેન નાઈએ લગ્નના નામે રૂપિયા 2.50 લાખની છેતરપિંડી આચરતા ઈસનપુર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો ઈસનપુરમાં રહેતા 36 વર્ષીય આશિષભાઈ વાઘેલાને લગ્ન કરવા હતા, ત્યારે કૌટુંબિક સંબંધી એવા અરવિંદભાઈ નાઈ અને તેમના પત્ની માલતીબેનએ મહારાષ્ટ્રની ઉષા પંડિત નામની યુવતી બતાવી હતી. આશિષ ભાઈને યુવતી પસંદ આવતા તેમને લગ્ન કરીને કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
લૂંટેરી દુલ્હને માતાના કેન્સરની સારવારના નામે 2.50 લાખ રૂપિયા પડાવ્યા
લગ્નના 6 દિવસે યુવતી ખરીદી કરવાના બહાને જવેલર્સની દુકાનમાંથી ફરાર થઈ ગઈ હતી. આ લૂંટેરી દુલ્હને માતાના કેન્સરની સારવાર માટે આશિષભાઈ પાસેથી 2.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવતી ફરાર થઈ જતા પરિવારે કૌટુંબિક સંબંધીને સંપર્ક કરતા આ લૂંટેરી દુલ્હનનું રેકેટ સામે આવ્યુ હતુ. ઈસનપુર પોલીસે લૂંટેરી દુલ્હન સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.
ગેંગના સભ્યોએ 2.50 લાખ રૂપિયા વહેંચી લીધા
પકડાયેલ આરોપીમાં લૂંટેરી દુલ્હન ઉષા પંડિત છે. જેનું સાચુ નામ દિપાલી છે અને સુરતમાં વીરલ સોની સાથે અગાઉ લગ્ન કર્યા હોવાનું ખુલ્યું છે. આ લૂંટેરી દુલ્હને ઉષા પંડિત નામનું ખોટું આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ બનાવીને આશિષ ભાઈના સંપર્કમાં આવ્યા. આ રેકેટમાં દંપતી અરવિંદભાઈ નાઈ અને માલતીબેન સાથે રમેશ પટેલ, હેમંત પંડિત અને કચ્છની એક મહિલાની સંડોવણી ખુલી છે. આ લૂંટેરી ગેંગના મુખ્ય સૂત્રધાર રમેશ પટેલ અને હેમંત પંડિત હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. જે લગ્નવિચ્છુક યુવાનોને લગ્નની લાલચ આપીને લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવીને પૈસા લઈને ફરાર થઈ જતા હતા. આ ગેંગે 2.50 લાખ રૂપિયા વહેંચી દીધા હતા. જેમાં લૂંટેરી દુલ્હનને 40 હજાર આપ્યા હતા. જ્યારે દંપતીને 10 હજાર આપ્યા હતા અને બાકીના 2 લાખ 3 વચ્ચે વહેંચ્યા હોવાનું ખુલ્યું છે.
ઈસનપુર પોલીસે જુદી જુદી કલમો હેઠળ નોંધ્યો ગુનો
ઈસનપુર પોલીસે છેતરપિંડી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લાલચુ દુલ્હન ફરાર તો થઈ ગઈ, પરંતુ ફરી સોનાના મંગળસૂત્ર લેવાની લાલચમાં પરત ફરતા જેલના સળીયા પાછળ ધકેલાઈ છે.
Source link