સાંતેજની પાર્ક લેન્ડ એવન્યુના મંડળીના હિસાબો ગંભીર ગોટાળા છતાં પણ ભ્રષ્ટ સરકારી બાબુઓએ એકશનની જગ્યાએ સપોર્ટરનો રોલ ભજવ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.
સાંતેજની પાર્ક લેન્ડ સોસાયટીની જમીનનું વિભાજન કરી અસ્તીત્વમાં આવેલી નવી દસ સોસાયટીમાંથી અમુક સોસાયટીના પ્લોટમાં પણ 9.90 કરોડની બેંકની મોર્ગેજ લોન ભૂમાફિયા કાર્તિકે લીધાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત 2018-19ના ઓડિટ રિપોર્ટમાં મંડળીમાં 50 લાખની ખોટ તેમજ કાર્તિકના નામે લોનના 4.09 કરોડ બોલતા હતા. આમ, ઓડિટ રિપોર્ટમાં અનેક ગોટાળા છતાં નવી દસ સોસાયટીની મંજૂરી આપી દેવાઈ હતી.
1982માં અસ્તીતવમાં આવેલી સાંતેજની ધ પાર્ક લેન્ડ કો.ઓ.હા.સોસાયટીની જમીનનું વિભાજન કરી કાર્તિક અને તેની ટોળકી અનેક પ્લોટો ગેરકાયદે રીતરસમો અપનાવી વેચી માર્યા તેમજ જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી. આ ઉપરાંત એકથી વધુ પ્લોટ ધારકે રજિસ્ટારની મંજૂરી લેવાની હોય તે પણ લીધી ન હતી. બીજી તરફ સોસાયટીના જૂના સભ્યએ ફરિયાદ કરી તેમજ તપાસના ડોક્યુમેન્ટ આરટીઆઈ થકી માંગતા જેમાં ગાંધીનગર રજિસ્ટાર ઓફિસના તત્કાલીન રજિસ્ટાર કચેરી દ્વારા થયેલા તપાસ અહેવાલના રિપોર્ટનો ઉલ્લેખ છે. જે અહેવાલમાં પાર્ક લેન્ડ એવન્યુના મંડળીના 2018-19ના ઓડિટમાં કાર્તિકના નામે 4,09,50,000ની લોનની જવાબદારી અને 2019-20ના ઓડિટ રીપોર્ટમાં મંડળીમાં 50 લાખની ખોટ બતાવવામાં આવી છે. આ ખોટના સરવૈયાનું નવી દસ સોસાયટીમાં વિભાજન થવું જોઈએ પણ નાણાંકીય સરવૈયા યોગ્ય રીતે તૈયાર કરેલા ન હોવાનું ખુલ્યું હતું. આ બાબતનો ઉલ્લેખ જિલ્લા રજિસ્ટારના હુકમ પણ ન હોવાથી તપાસમાં તેણે ગંભીર બાબત ગણવામાં આવી છે. આ ઉપરાંત નવી સોસાયટીની મંજૂરી માટે લેણદારો-દેણદારોની જવાબદારીઓના ઉલ્લેખ તેમજ તેઓ વચ્ચે કોઈ વાંધો નથી તેની વિગતોનો ઉલ્લેખ દરખાસ્તમાં હોવો જોઈએ પણ તે વિગતો મંજૂરીની દરખાસ્તમાં આવરવામાં આવી ન હતી. આ ઉપરાંત કાર્તિક પટેલએ નવી સોસાયટીમાંથી અમુક સોસાયટીના પ્લોટ પર બેંકમાંથી 9.90 કરોડની મોર્ગે જ લોન લીધાનો ઉલ્લેખ ડોક્યુમેન્ટમાં છે. જે મુદ્દો અગાઉની 4 કરોડની લોનના ઉલ્લેખ બાદ ફરી અરજી કરીને લોનની રકમ વધારવામાં આવી કે વ્યાજ તેમજ ચડત ચાર્જને કારણે આંકડો 9.90 કરોડે પહોંચ્યો તે સ્પષ્ટ નથી. તપાસમાં મૂળ મંડળીના સભાસદ ના હોવા છતાં નાણાં વ્યાજે લઈને મંડળીની આર્થિક સ્થિતિ જોખમાયેલ જેનો ઉલ્લેખ બેલેન્સશીટમાં જોવા મળ્યો હતો. આમ, નવી સોસાયટીમાં મંજૂરી માટેની દરખાસ્તમાં કાયદાની કલમ-44 અને નિયમ 24નો ભંગ કર્યાનો ઉલ્લેખ કરી જરૂરી કાર્યવાહી કરવા તપાસ અધિકારીએ સૂચન કર્યું હતું.
દસ સોસાયટીમાં જમીન ફાળવણીના ફેરફાર રદ કરવા જણાવ્યું પણ સ્ટે આવ્યો
ધ પાર્ક લેન્ડ એવન્યુની જમીનનું વિભાજન કરી દસ સોસાયટીમાં જમીન ફાળવવામાં આવી જો કે, રજીસ્ટાર કચેરીની તપાસમાં આ જમીન ફાળવણીમાં ફેરફાર થયાનું ખુલ્યું હતું. જે નિયમ વિરૂદ્ધનું હોવાથી પ્લોટમાં થયેલા ફેરફાર રદ કરવા હુકમ થયો હતો. જો કે, આ કાર્યવાહી થાય તે પહેલા સ્ટે આવી જતા અરજદારોની આશા પર પાણી ફરી વળ્યું હતું.
Source link