અમદાવાદ શહેરમાં શાકભાજીના આસમાનને પહોંચેલા ભાવોએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. શિયાળાની શરૂઆત છતાંય હજુ ભાવ અંકુશમાં આવ્યા નથી. બે ટંકની ભોજનની થાળીમાં પરિવારના સભ્યો માટે લીલા શાકભાજી પીરસવા મધ્યમવર્ગીય પરિવારની ગૃહિણીઓ માટે મુશ્કેલ બની ગયું છે.
શાકમાર્કેટમાં રૂ.500માં થેલી ભરાય તેટલા શાકભાજી પણ આવતા નથી. બટાકા, ડુંગળી, ટામેટાના 80 રૂપિયે કિલો સુધી પહોંચેલા ભાવ અને અન્ય શાકભાજી પણ મોંઘાદાટ હોય લોકોને શું ખાવું તેની મુંઝવણ છે.
અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારોમાં ગામડાઓમાં પણ રોડ પર વેચાતી શાકભાજી મોંઘી જ મળી રહી છે. ગામડાઓમાં સસ્તી શાકભાજી મળશે તેવી ધારણા હાલ ખોટી પડી રહી છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ શાકભાજીના ભાવ વધુ બોલાઇ રહ્યા છે. સામાન્ય વર્ગના લોકોની રોજની રસોઈમાં બટાકા, ડુંગળી, ટામેટા, દૂધી, ફુલાવર, કારેલા, રવૈયા દૈનિક ધોરણે હોય છે. પરંતુ આ શાકભાજીના ભાવ પણ કિલાનો 60 થી 100 રૂપિયા સુધીના થઇ ગયા છે. રોજ શું રાંધવું ? તે ગૃહિણીઓ માટે મોટો પ્રશ્ન બની ગયો છે. કઠોળ પણ મોંઘુંદાટ છે.
અમદાવાદમાં હાલમાં જુદાજુદા વિસ્તારોમાં ગુણવત્તા મુજબ ડુંગળી 80 થી 100 રૂપિયે કિલોના ભાવે છૂટક બજારમાં વેચાઇ રહી છે. આગામી એક મહિનામાં તેના ભાવ દોઢા થવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં કર્ણાટક રાજ્યમાંથી રોજની 40થી 42 ટ્રક ડુંગળીનો માલ આવી રહ્યો છે. કર્ણાટકમાં વરસાદ હોવાથી પાકને નુકશાન થયું છે. અમદાવાદમાં એક મહિના પહેલા હોલસેલમાં 28 થી 30 રૂપિયે કિલોના ભાવે વેચાતી ડુંગળી હાલમાં 40 થી 45 રૂપિયે વેચાઇ રહી છે. ટામેટાં છૂટક બજારમાં ટામેટાનો ભાવ 80 થઈ 100 રૂપિયા થઇ ગયો છે. જે સફરજનની બરોબરીનો ભાવ છે. ઓક્ટોબર માસમાં છેલ્લા પાંચ વર્ષથી લીંબુનો ભાવ હોલસેલમાં જે 10 થી 15 રૂપિયા રહેતો હતો તે આ વર્ષે હોલસેલમાં ગુણવત્તા મુજબ કિલોનો 60 થી 100 રૂપિયા ભાવ પહોંચી ગયો છે. હાલ છૂટક બજારમાં લીંબુ ગુણવત્તા મુજબ 80 થી 120 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.
ડુંગળી માટે ઇતિહાસમાં પહેલી વખતે ટ્રેનો દોડાવાઇ !
આ વર્ષે વરસાદે ડુંગળીના પાકને નુકશાની પહોંચાડી છે. જ્યાં 300 મણ ડુંગળી ઉતરતી હોય ત્યાં 50 મણ જ ડુંગળી ઉતરી છે. આ સ્થિતિમાં દર વર્ષે દેશભરમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ડુંગળીની તંગી વચ્ચે ભાવ વધતા હોવાથી આ વખતે સરકારે રેલવે માફરતે કાંદા સ્પેશિયલ ટ્રેનો દોડાવીને દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં બફર સ્ટોકમાંથી ડુંગળી સમયસર પહોંચાડી ભાવ અંકુશમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રથી દિલ્હી, લખનઉં, ગુવાહાટી માટે ત્રણ સ્પેશિયલ ટ્રેનો ડુંગળી ભરીને દોડાવાશે. ડુંગળી માટે ટ્રેનો દોડાવવી પડી હોય તેવો આ પહેલો કિસ્સો હોવાનું રેલવેના અધિકારી જણાવી રહ્યા છે.
Source link