બાળકોના હક્ક અને અધિકારો તેમ જ બાળકોના કાયદાના અમલીકરણ અને આ અંગે સુપ્રીમકોર્ટના નિર્દેશોના ચુસ્તપણે પાલન માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સરકારના અસ્પષ્ટ અને અપૂરતી માહિતી સાથેની એફિડેવીટને લઇ ગંભીર નારાજગી વ્યકત કરી હતી.
હાઇકોર્ટે સરકારપક્ષની ટીકા કરતાં જણાવ્યું હતું કે, જો રાજયમાં સ્ટેટ કમીશન ઓફ્ પ્રોટેકશન ચાઇલ્ડ રાઇટ જ કાર્યરત જ ના હોય તો તેનો વાર્ષિક અહેવાલ કયાંથી આવવાનો છે? સોશ્યલ ઓડિટની જવાબદારી મહિલા અને બાળ વિકાસ વિભાગની છે, તેનો પણ સરકારની એફિડેવીટમાં કોઇ ઉલ્લેખ નથી. હાઇકોર્ટે ગુજરાત સરકારને રાજયમાં સ્ટેટ કમીશન ઓફ્ પ્રોટેકશન ચાઇલ્ડ રાઇટ, સોશ્યલ ઓડિટ અને સ્ટેટ પ્રોટેકશન પોલિસી તૈયાર કરવા પણ ટકોર કરી હતી.
હાઇકોર્ટે ફરી એકવાર સરકારપક્ષના સોગંદનામાને લઇ ભારોભાર અસંતોષ વ્યકત કરી બે સપ્તાહનો સમય આપી સોશ્યલ ઓડિટ, સ્ટેટ કમીશન ઓફ્ પ્રોટેકશન ચાઇલ્ડ રાઇટ સહિતના મુદ્દાઓને લઇ વિગતવાર અને સ્પષ્ટ માહિતી સાથેની એફિડેવીટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. રાજયના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાન્યુઆરી-2022માં નિવૃત્ત થયા છે અને એ પછી નિમણૂંકના અભાવે આયોગ અસ્તિત્વમાં નથી. અગાઉ હાઇકોર્ટે મેમ્બર્સની જગ્યા ભરવા પણ હુકમ કર્યો હતો. આ જ પ્રકારે રાજયના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટ હેઠળ કુલ 107 જગ્યાઓ ખાલી છે, તો, ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટયૂટમાં 141 જગ્યાઓ ખાલી છે. આ જ પ્રકારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીઓમાં પણ જે ખાલી જગ્યાઓ છે તે વહેલી તકે ભરાય તે જરૂરી છે. અનાથાલાયો અને બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોનું શોષણ ના થાય તે માટે સોશિયલ ઓડિટ પણ થવુ જોઇએ. ચાર વર્ષથી સ્ટેટ કમિશન ઓફ્ પ્રોટેક્શન ચાઈલ્ડ રાઈટ કામ કરતું નથી.
સરકારી અધિકારીઓ ઓર્ડર સરખી રીતે વાંચતા નથી
સરકારના સોગંદનામાંમાં હાઇકોર્ટે માંગ્યા મુજબની વિગતો નહી હોવાથી હાઇકોર્ટે ભારે ટીકા કરતાં જણાવ્યું કે, એવું જણાય છે કે, સરકારી અધિકારીઓ અને વકીલો હાઇકોર્ટના ઓર્ડર સરખી રીતે વાંચતા નથી. તમે તમારા સોગંદનામામાં કોર્ટે જે માંગ્યુ હોય એ નહી પરંતુ તમે જે કામ કર્યું હોય એ બતાવો છો. શા માટે કોર્ટ પાસેથી તમારી પ્રશંસા સાંભળવા માંગો છો.
Source link