ગુજરાત એક વિકસિત રાજ્ય છે અને તેની પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ સારું છે. આમછતાં સ્માર્ટ મીટર લગાવવાની બાબતમાં રાજ્ય દેશના બિહાર, આસામ છત્તીસગઢ જેવા અન્ડર ડેવલપ રાજ્યો કરતાં ઘણું જ પાછળ છે. તાજેતરમાં રાજ્યસભામાં સ્માર્ટ મીટરને લગાવવા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે જે માહિતી આપી છે તે મુજબ ગુજરાતને 1.65 કરોડ સ્માર્ટ મીટર મંજૂર કરવામાં આવ્યા છે.
જેમાંથી 29 નવેમ્બર સુધીમાં માત્ર 2.19 લાખ સ્માર્ટ મીટર જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. એટલે કે મંજૂર થયેલા મીટરથી માત્ર 1% મીટર જ લગાવવામાં આવ્યા છે. રાજ્યસભામાં સાંસદ સુસ્મિતા દેવે સ્માર્ટ મીટરને લગતા સવાલો કર્યા હતા જેનો રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રીપદ નાઈકે જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં 19.79 કરોડ સ્માર્ટ મીટર મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી નવેમ્બર અંત સુધીમાં 72.97 લાખ મીટર લગાવી દેવામાં આવ્યા છે. એટલે કે સમગ્ર દેશમાં 4% કામગીરી જ પૂરી થઈ છે.
આમાંથી આસામમાં 22.89 લાખ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થયા છે જે તેને મંજૂર કરાયેલા 63.64 લાખ મીટરના 36% છે. રસપ્રદ રીતે બિહાર જેવા રાજ્યમાં આ કામગીરી 83% પૂર્ણ થઈ છે. બિહારમાં 23.50 લાખ મીટર મંજૂર કરવામાં આવ્યા હતા જેમાંથી 19.39 લાખ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે.
સરકારે સવાલના જવાબમાં 27 રાજ્યોનો રિપોર્ટ આપ્યો છે, જેમાંથી 16 રાજ્યો એવા છે જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લગભગ 0% જેવી છે. આ ઉપરાંત 9 રાજ્યોમાં સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશનની 10% કામગીરી પણ નથી થઈ. આસામ અને બિહાર જ એવા રાજ્યો છે જેમાં બે આંકડામાં પ્રોગ્રેસ થઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2024ની શરૂઆતમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ ફેલ્ટના પગલે લોકોએ ભારે વિરોધ કર્યો હતો.
Source link