ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં માહિતી ચોરીનો દુરઉપયોગ કર્યા મામલે મહેશ લાંગા સહિત બે વ્યક્તિઓ સામે થયેલી પોલીસ ફરિયાદ બાદ આ મામલે પોલીસ દ્વારા જીએમબીના પીવીટી ( પ્રાઇવેટાઇઝેશન) સેલના કર્મચારીઓ અને અધિકારીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
દરમિયાન આ મામલે પોલીસે કરાર આધારીત બે શખસોની અટકાયત પણ કરી છે. આ શખસો પાસેથી મહેશ લાંગાને જીએમબીની અતિસંવેદનશીલ, નિતિવિષયક અને વ્યાપક અસર કરતી વિગતો મળી હોવાનું મનાઇ રહ્યુ છે.
ઉલ્લેખનીય છેકે, મહેશ લાંગાની જીએસટી કૌભાંડમાં ધરપડક કરવામાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં જીએમબીની માહીતી ચોરી પ્રકરણ બહાર આવ્યુ હતું. જે મામલે ક્રાઇમ બ્રાંચે વિગતવાર અહેવાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડને મોકલ્યો હતો. આ અહેવાલ મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારી એન.ડી. પરમારની આગેવાની હેઠળ આંતરીક તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ તથ્ય જણાતા ગઇકાલે જીએમબીના જનરલ મેનેજર (પ્રોજેક્ટ)એ મહેશ લાંગા અને માહિતી આપનાર અજાણ્યા કર્મચારી સામે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદને જોકે, પોલીસ દ્વારા સંવેદનશીલ કેટેગરીમાં મુકીને કોઇ જ વિગતો જાહેર કરવામાં આવી નહતી. જોકે, સુત્રોના જણાવ્યા પ્રમાણે મહેશ લાંગાએ પોતાના પ્રભાવ અને લોભ લાલચ આપી જે કર્મીઓ પાસેથી માહિતી મેળવી હતી તે માહિતી અતિસંવેદનશીલ, નિતિવિષયક અને વ્યાપક અસર કરનારી હોવાનું બહાર આવ્યુ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમાં તપાસનો રેલો જીએમબીની પ્રાઇવેટાઇઝેશન સેલ (પીવીટી) સેલ સુધી પહોંચ્યો છે.
Source link