શહેરના સીજી રોડ પર આવેલી આંગડીયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા બેગમાં લઇને કારચાલક તેના શેઠને રૂપિયા આપવા જતો હતો ત્યારે એક એક્ટિવા ચાલકે તમે મારા પગ પર કાર ચઢાવી દિધી છે તેમ કહીને કાર ઉભી રાખવા પ્રયાસ કર્યો હતો.
જો કે, ચાલકે કાર ઉભી ન રાખતા એક્ટિવા ચાલકે પીછો કરીને સહજાનંદ કોલેજ ચાર રસ્તા નજીક ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન અન્ય બે શખ્સોએ કારનો કાચ તોડીને 20 લાખ ભરેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે કારચાલકે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચાલક સહિત 3 શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બોડકદેવમાં રહેતા સુરેશભાઇ ગરાસીયા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને શેઠ વિકાસ કંન્સલના મેનેજરે બુધવારે બપોરના ચાર વાગ્યે ફોન કરીને સીજી રોડ પર આવેલી ધારા આંગડીયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઇ આવવા કહ્યુ હતુ જેથી સુરેશ ઘરેથી શેઠની સ્કોર્પિયા કાર લઇને ધારા આંગડીયા પેઢીમાં જઇને બ્લેક બેગમાં 20 લાખ ભરીને ઘરે આવી રહ્યો હતો. આ દરમ્યાન સીટી કોર્નર 3 રસ્તા પાસે એક એક્ટિવા ચાલકે તે કાર પગ પર ચડાવી દિધી છે તેમ કહીને સુરેશભાઇને કાર ઉભી રાખવા કહ્યુ હતુ. પરંતુ કાર ઉભી ન રાખતા તમે મારા પગ પર કાર ચડાવી દેતા ફેક્રચર થયેલ છે તેમ કહીને ઝઘડો કર્યો હતો.
આ દરમ્યાન અન્ય બે શખ્સો બાઇક પર આવીને સ્કોર્પિયો કારનો કાચ તોડીને 20 લાખ ભરેલ બેગ લૂંટીને નાસી રહ્યા હતા ત્યારે સુરેશભાઇને નજર પડતા તેઓ બન્ને શખ્સોને પકડવા માટે દોડયા હતા પરંતુ બન્ને શખ્સો ફરાર થઇ ગયા હતા. જેના પગલે સુરેશભાઇએ શેઠ અને મેનેજરને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગે સુરેશભાઇએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચાલક સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
Source link