IPL Retirement: રવિચંદ્રન અશ્વિને IPLને કહ્યું અલવિદા, વિશ્વભરની T20 લીગમાં રમવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી

સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર અશ્વિને સ્પષ્ટ કર્યું છે કે તે હવે IPLમાં રમતા જોવા મળશે નહીં, પરંતુ તે વિશ્વભરમાં ચાલતી તમામ T20 ફ્રેન્ચાઇઝી લીગમાં રમતા જોવા મળશે.
અશ્વિને 18 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેણે કહ્યું હતું કે તે IPLમાં રમવાનું ચાલુ રાખશે. તે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો.
IPLમાં 5 ટીમો માટે રમી ચૂક્યો છે અશ્વિન
38 વર્ષીય ઓફ સ્પિનર અશ્વિને 221 આઈપીએલ મેચોમાં 187 વિકેટ લીધી હતી. તેનો ઇકોનોમી રેટ 7.20 હતો. તેની શ્રેષ્ઠ બોલિંગ 4/34 હતી. આ ઉપરાંત, તેણે 98 ઇનિંગ્સમાં 833 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 50 હતો.
અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 ટીમો માટે રમ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ. તેણે ટુર્નામેન્ટમાં પંજાબનું નેતૃત્વ પણ કર્યું હતું.
યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, સુનીલ નારાયણ અને પીયૂષ ચાવલા પછી અશ્વિન આઈપીએલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાંચમા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે નિવૃત્ત થયો.