અમદાવાદથી રવાના થયેલ લાલ દંડા સંઘ માં અંબાના ધામ અંબાજી પહોંચ્યો છે. આ લાલ દંડા સંઘે 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે માં અંબાના દર્શન કર્યા છે. ધર્મને ઊંચો લાવવો અને માંની ભક્તિ કરવા લાલ દંડા સંઘ દર વર્ષે આવે છે. આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ લાલ ડંડા સંઘ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.
અંબાજી આવતા સંઘોમાં સૌથી જુના સંઘ
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે.
શું છે સંઘનું ઉદ્દેશ્ય?
દર વર્ષની જેમ આજે લાલ દંડા સંઘે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનું ઉદ્દેશ છે. 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે. આ સંઘમાં 50 થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે. જેમને માં શક્તિ આપી છે. અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી ધામ
તમને જણાવી દઈએ કે અંબાજીના તમામ માર્ગો જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા છે અને સમગ્ર અંબાજીમાં હાલમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. મહાકુંભના ચોથા દિવસે અંબાજી જતા પદયાત્રીઓનો અંબાજીના માર્ગો પર જમાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો સહિત અન્ય લોકો પણ જય જય અંબેના નાદથી તમામ શેરીઓ ગુંજી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે માં અંબાના ભક્તો દૂર દૂરથી પગપાળા આવીને અંબાજી પહોંચી રહ્યા છે અને માંના આર્શીવાદ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના આર્શીવાદ મેળવ્યા છે.
Source link