અજમેરની દરગાહ, ધારની ભોજશાળા, સંભાલની જામા મસ્જિદ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જિદ અને કાશીમાં જ્ઞાનવાપી સહિત દેશભરમાં દાખલ તમામ કેસોની પ્રક્રિયા પર રોક લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની સાથે અન્ય 4 રાજ્યોને પક્ષકાર બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્ર સરકારની સાથે યુપી સહિત 4 રાજ્યોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અરજીકર્તા આલોક શર્મા અને પ્રિયા મિશ્રાના વકીલ નરેન્દ્ર મિશ્રાએ કહ્યું કે આ અરજી પર વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવશે.
કોર્ટમાં દાખલ થયેલા કેસોને લઈ વાતાવરણ બગડી રહ્યું છે
સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991નું પાલન કરવા માટે નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી છે. આ અરજીમાં પૂજા સ્થળ કાયદાના ઉલ્લંઘનને ટાંકીને કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશોનું પાલન ન કરવા માટે રાજ્યોને સૂચના જાહેર કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 19 ડિસેમ્બર, 2023ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ ધાર્મિક સ્થળોનું ચરિત્ર જાણવા માટે દેશભરની વિવિધ સિવિલ કોર્ટમાં દાખલ થયેલા કેસોને કારણે વાતાવરણ બગડી રહ્યું છે.
શું છે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991?
આ કાયદો 1991માં બનાવવામાં આવ્યો હતો, જેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ધાર્મિક સ્થળોની સ્થિતિ 15 ઓગસ્ટ 1947ની જેમ જ રહે. આ કાયદા હેઠળ કોઈપણ ધાર્મિક સ્થળની સ્થિતિ બદલી શકાતી નથી. આ કાયદો સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અને ધાર્મિક સ્થળો પર થતા વિવાદોને રોકવા માટે લાવવામાં આવ્યો હતો. આ કાયદાની મુખ્ય જોગવાઈઓ ધાર્મિક સ્થળોની સ્થિતિમાં ફેરફારને પ્રતિબંધિત કરે છે. 15 ઓગસ્ટ 1947 પછી કોઈપણ ધાર્મિક સ્થળ (મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે)ની સ્થિતિ બદલી શકાશે નહીં. આ ઉપરાંત કાયદા હેઠળ કોઈપણ ધાર્મિક સ્થળની સ્થિતિને પડકારવા માટે નવા કેસ દાખલ કરી શકાતા નથી. જે કેસ પહેલાથી ચાલી રહ્યા હતા તેને સમાપ્ત કરવાની જોગવાઈ છે.
Source link