વડોદરાની ભાયલીમાં ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના સામે આવી છે. સેવાસીની અંજના હોસ્પિટલ પર મોટો આરોપ લગાડવામાં આવ્યો છે. દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન અપાતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન અપાતા હોવાનો આરોપ
આ સાથે જ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરાતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સરકાર પાસેથી પૈસા પડાવવાનો હોસ્પિટલે કારસો રચ્યો હોય તેવું લોકો કહી રહ્યા છે. દર્દીને જરૂર ના હોય તો પણ ઓક્સિજનના માસ્ક પહેરાવીને વીડિયો ઉતારી લેવામાં આવે છે. ત્યારે આ આરોપ લાગ્યા બાદ નગરપાલિકાની ટીમે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલમાં આવી કોઈ ગેરરીતિ સામે આવશે તો પગલા લેવાશે: પાલિકા
ત્યારે નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવતા સેવાસીની અંજના હોસ્પિટલે આવું કંઈ ન થતું હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે સ્પષ્ટતા કરતા હોસ્પિટલે કહ્યું કે દર્દીને જરૂર પડે ત્યારે જ ઓક્સિજન આપવો પડે છે તો પાલિકાએ આ અંગે જણાવ્યું કે જો હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તેની સામે પગલા લેવાશે.
ખ્યાતિ હોસ્પિટલ સામે 3 FIR થઈ: DCP હિમાંશુ વર્મા
ખ્યાતિ હોસ્પિટલ મામલે DCP હિમાંશુ વર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે 3 FIR થઈ છે. 10 નવેમ્બરે કેમ્પ હતો, જેમાં 19 લોકોને લાવ્યા હતા. જેમાં 7 લોકોની સર્જરી કરાઈ હતી અને તેમાં 2 લોકોના મોત થયા હતા. સરકાર તરફથી એક ફરિયાદ નોંધાવાઈ છે તો ખોટી રીતે સર્જરી બાબતે ફરિયાદ નોંધાઈ છે. PMJAYના પૈસા લેવા માટે આ સમગ્ર ખેલ રચ્યો હતો.
અગાઉ હોસ્પિટલે કેટલા ઓપરેશન કર્યા તેની તપાસ થશે: DCP હિમાંશુ વર્મા
DCP હિમાંશુ વર્માએ વધુમાં જણાવ્યું કે મેડિકલ ડોક્ટર અને એક્સપર્ટની મદદ લઈશું, લોકોને કોઈ લાલચ આપી હતી કે કેમ તેની તપાસ થશે. આ પહેલા હોસ્પિટલે કેટલા ઓપરેશન કર્યા તેની તપાસ થશે. બાકીના આરોપીઓનો સંપર્ક થઈ શક્યો નથી, અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ કરી રહ્યાં છીએ. હજુ અમે આખા કેસને તપાસ કરી રહ્યા છીએ.
Source link