GUJARAT

Anand: ઉમરેઠમાં રામ તળાવ નજીક નવજાત બાળક મળતાં ચકચાર

ઉમરેઠમાં રામ તળાવ નજીક ત્યજી દીધેલ હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને જન્મ આપનાર યુવતી ઉપર એક મંદિરના પૂજારીએ દુષ્કર્મ ગુજારી, ગર્ભવતી બનાવી હોવાના આક્ષેપ યુવતીના જ પિતાએ કર્યાં છે. ત્યારે આક્ષેપના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ ગામમાં રામ તળાવ નજીકથી ત્યજી દીધેલી હાલતમાં એક મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને નવજાત મૃત બાળકનો કબ્જો લઈ પી.એમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ બાળકને જન્મ આપનાર યુવતિના પિતાએ એક મંદિરના પુજારી ઉપર દુષ્કર્મના આરોપ મુકતાં જણાવ્યું છે કે, જ્યારથી આ મંદિરની ઇંટ મુકાઈ ત્યારથી મારા બા આ મંદિરમાં કામ કરતાં હતાં. મારા બા ના અવસાન બાદ મારી પત્ની અને પુત્રી મંદિરમાં કામ કરતાં હતાં. મારી પુત્રી મંદબુદ્ધિની છે અને બપોરે ટીફીન લેવા મંદિર જતી હતી. દરમિયાન મંદિરના પુજારીએ દુષ્કર્મ કરી મારી પુત્રીને ગર્ભવતી બનાવી હતી અને તે સવારે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળક જન્મી પડયું હતું. મારી પુત્રીને બ્લડીંગ વધુ થતું હોવાથી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ, મારી પુત્રી સારવાર હેઠળ છે. મંદિરના પુજારીએ મારી પુત્રીને ચપ્પું મારી જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. એટલે મારી પુત્રીએ કોઈને જણાવ્યું ન હતું. અમને ન્યાય મળે અને આવું કૃત્ય કરનાર નરાધમને સજા થાય તેવી અમારી માંગ છે.

પૂછપરછમાં યુવતી કાંઈ બોલી નથી – ઉમરેઠ પી.એસ.આઈ. પાવરા

આ અંગે ઉમરેઠના પી.એસ.આઈ પાવરા જણાવ્યું હતું કે, ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવેલ મૃત બાળકીને જન્મ આપનાર યુવતિ હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુવતિના પિતાએ મંદિરના પૂજારી ઉપર દુષ્કર્મના આક્ષેપ મુક્યો છે. આ આક્ષેપના આધારે અમે બાળકને જન્મ આપનાર યુવતિની પુછપરછ કરી હતી. પરંતુ, યુવતિ કાંઈ બોલી નથી. હાલ, તપાસ ચાલુ છે.

મને ફ્સાવવા માટે આ બધું કર્યું છે – મંદિરના પૂજારી

ઉમરેઠ સ્થિત એક મંદિરના પુજારી કાંતિભાઈ વાઘેલા આ અંગે જણાવે છે કે, મને ફ્સાવવા માટે આ બધું કર્યું છે. આ છોકરી અહીં ખાવા લેવા માટે આવતી હતી. કોઈક દિવસ ન મળે એટલે આવું કર્યું. છેલ્લે ત્રણ મહિના પહેલાં તે ખાવા લેવા આવી હતી, પછી આવી જ નથી. મારા પર ખોટા આક્ષેપો કરાયા છે.

યુવતી ઘરની બહાર શૌચાલય જવા ગઈ તે વખતે જ બાળક જન્મી પડયું

ઉમરેઠમાં રહેતી યુવતી ગતરોજ સવારના સમયે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળક જન્મી પડયું હતું. જે બાદ પરિવારજનોએ આ નવજાત બાળકને કોથળામાં ભરી ત્યાં નજીકમાં જ મુકી દીધું હતું અને યુવતીને સારવાર અર્થે સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. હોસ્પિટલની વર્દીને આધારે ઉમરેઠ પોલીસને આ અંગેની જાણ થઇ હતી. જેથી પોલીસની ટીમે સૌપ્રથમ આ ત્યજી દેવાયેલા નવજાત બાળકની શોધખોળ હાથ ધરી હતી. એકાદ-બે કલાકની ભારે જહેમત બાદ પોલીસને તળાવ નજીકથી આ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાનું જણાઈ આવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button