GUJARAT

Anand: વરસાદના કારણે 500 હેકટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત

આણંદ જિલ્લાના આંકલાવ પંથકમાં શનિવારેની રાત્રે પાછોતરો વરસાદ થતાં 500 હેકટરથી વધુ જમીનમા ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોને ભારે નુક્સાન થયુ છે. ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હતો, જેને કાપણી કરવાની તૈયારી હતી અને એ દરમિયાન ખાબકેલા વરસાદે ડાંગરનો પાક જમીનદોસ્ત કરી દેતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.

ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું

આંકલાવ પંથકના ગંભીરા, આસરમા, ચમારા સહિતના ગામોમાં શનિવારે મધ્ય રાત્રિએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા અંદાજે 500 હેકટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. સતત ત્રણ મહિનાની મહેનત બાદ ખેતરોમાં ડાંગરનો પાક લહેરાઈ રહ્યો હતો અને પાકની લણણી થોડા જ સમયમાં કરવામાં આવનાર હતી, ત્યારે શનિવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો હતો અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો

રવિવારે સવારે ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચ્યા હતા, જ્યાં તૈયાર થઈ ગયેલો પાક જમીન દોસ્ત જોઈને નિસાસો નાખી દીધો હતો. વરસાદને લઈ ડાંગરના દાણા કાળા પડી જતા હવે બચી ગયેલા ડાંગરના પાકનો પણ ભાવ મળશે નહીં અને આમ, ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો હતો અને છેલ્લી ઘડીએ વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લેતા ખેડૂતો નાસીપાસ થઈ ગયા છે.

સરકાર નુકસાનીનો સર્વે કરી સહાય આપે તેવી માગ

આ વિસ્તારના ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ ખાતર પાછળ વીઘા દીઠ 12થી 15 હજારનો ખર્ચ કરી મહેનત મજૂરી કરતા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને આ વખતે મબલખ ઉત્પાદન થશે અને સારો ભાવ મળતાં પરિવાર સાથે સારી રીતે દિવાળીના તહેવાર ઉજવી શકાશે તેવી આશાઓ સજાવી બેઠા હતા. પરંતુ શનિવારે રાત્રે ખાબકેલા પાછોતરા વરસાદને લઈ ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ડાંગરનો પાક નાશ પામતા પાક પાછળ કરેલો ખર્ચ પણ વળે તેમ નથી, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ઉઠ્યા છે અને સરકાર નુકસાનીનો સર્વે કરી સહાય આપે તેવી માગ કરી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button