આણંદ ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ -અમૂલ ડેરીની આજે સામાન્ય સભા યોજાતા વિવિધ દૂધ મંડળીનાં પ્રતિનિધીઓએ હોબાળો કરી ચેરમેન પાસે જવાબ માંગતા એક સમયે સભા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સભા ચાલુ રહી હતી અને સભાસદોએ અમૂલ ડેરીનાં ચેરમેન પાસે આકરા સવાલો કર્યા હતા. જો કે અમૂલના ચેરમેનએ સભામાં કેટલાક અસામાજીક તત્વો આવવાનાં હોવાથી પોલીસ તૈનાત કરવામાં આવી હોવાનું નિવેદન આપતા પ્રતિનિધિઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સભામાં હોબાળાની ભીતિને લઈ પોલીસ તૈનાત
અમૂલ ડેરીની સભામાં હોબાળો થવાની ભીતિને લઈને અમૂલ ડેરીનાં સત્તાધીસો દ્વારા અમૂલ ડેરીનાં મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ઓડોટોરીયની બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને સભાસદોની સંપૂર્ણ ચકાસણી તેમજ તપાસ કર્યા બાદ જ ઓડોટોરીયમમાં પ્રવેશ આપવામાં આવતા વિવિધ દૂધ મંડળીઓમાંથી આવેલા સભાસદોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જો કે સભા ચાલુ થતા જ વિવિધ દૂધ મંડળીઓનાં પ્રતિનિધિઓ તેમજ માતરનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ચેરમેન સામે નોકરીઓ આપવામાં ભ્રષ્ટાચારનાં આરોપ લગાવતા ભારે હોબાળો થયો હતો.
કેસરીસિંહ સોલંકીએ કહ્યું હતું કે અમૂલ ડેરીનાં સભાસદોનાં પરિવારનાં સભ્યોને અમૂલ ડેરીની નોકરીમાં પ્રાધાન્ય મળવું જોઈએ. આ સંસ્થા પશુપાલકોની છે ત્યારે જયારે અમૂલમાં ભરતી કરવામાં આવે છે, ત્યારે અમૂલના સભાસદ પરિવારનાં ઉમેદવારોને નોકરી આપવામાં આવતી નથી અને અન્ય બહારનાં લોકોને નોકરીઓ આપવામાં આવે છે, તેવા આરોપ લગાવ્યા હતા.
પૂર્વ વાઈસ ચેરમેને સમજાવ્યા બાદ સભા ચાલુ રાખી
પ્રતિનિધીઓએ હોબાળો મચાવતા ચેરમેન વિપુલભાઈ પટેલએ એક તબક્કે સભા મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. જો કે પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર અને પૂર્વ વાઈસ ચેરમેન રામસિંહ પરમારએ પ્રતિનિધિઓને સમજાવ્યા બાદ સભા આગળ ચાલુ રાખવામાં આવી હતી.
સભા પૂર્ણ થયા બાદ સભાસદોએ ભારે રોષ પ્રકટ કરતા કહ્યું હતું કે, આજ સુધીનાં ઈતિહાસમાં અમૂલ ડેરીની સાધારણ સભામાં કયારેય પોલીસ બોલાવવામાં આવી નથી, અને દૂધ મંડળીઓનાં પ્રતિનિધિઓ શુ આંતકવાદી છે કે પોલીસ બોલાવવી પડી, અને પોલીસ દ્વારા જાણે આંતકવાદી હોય તેમ તપાસ કર્યા બાદ અમૂલ ડેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ અંગે અમૂલ ડેરીનાં ચેરમેન વિપુલ પટેલએ પણ કોઈ અસામાજીક તત્વો આવવાનાં હતા જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું નિવેદન કરતા વિવિધ દૂધ મંડળીઓનાં ચેરમેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Source link