L&T ચેરમેન એસએન સુબ્રમણ્યનનુ 90 કલાક કામ કરવાના નિવેદનને લઇને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. સુબ્રમણ્યનએ તાજેતરમાં તેમના કર્મચારીઓ સાથેની ઓનલાઈન વાતચીતમાં આ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે જો શક્ય હોય તો, કંપની કર્મચારીઓ પાસે રવિવારે પણ કામ કરાવશે.
સુબ્રમણ્યનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો જોવા મળ્યો. આ અંગે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપીને વધુ ગરમાવો લાવ્યો છે. તેમણે કામની ગુણવત્તાને પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે કલાકો કરતાં આઉટપુટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
‘આઉટપુટ કલાકો કરતાં વધુ મહત્વનું ‘
એક કાર્યક્રમમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ ચર્ચા ખોટી દિશામાં જઈ રહી છે. કલાકોની ગણતરી ન હોવી જોઈએ, પરંતુ કાર્યના પરિણામ પર હોવી જોઈએ. ભલે તે 40 કલાક હોય કે 90 કલાક, પ્રશ્ન એ છે કે તમે શું આઉટપુટ આપી રહ્યા છો? જો તમે ઘરે પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવતા નથી, અભ્યાસ કરતા નથી કે વિચારવાનો સમય નથી, તો તમે યોગ્ય નિર્ણયો કેવી રીતે લેશો? તેમણે વધુમાં કહ્યું કે સારા જીવન અને યોગ્ય નિર્ણયો લેવા માટે સંતુલિત જીવન જરૂરી છે. તમે હંમેશા એક જ ટનલમાં રહી શકતા નથી.
સોશિયલ મીડિયા પર તેમની પ્રવૃત્તિ અંગેના પ્રશ્નોના જવાબમાં મહિન્દ્રાએ કહ્યું કે મને વારંવાર પૂછવામાં આવે છે કે હું સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવું છું. તેમણે કહ્યું કે હું સોશિયલ મીડિયા પર એટલે નથી કે હું એકલો છું. મારી પત્ની સારી છે અને મને તેને નિહાળવી ગમે છે. હું અહીં મિત્રો બનાવવા નહી પણ સોશિયલ મીડિયાને એક બિઝનેસ ટૂલના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છું.
સુબ્રમણ્યમના નિવેદનથી ચર્ચા શરૂ થઈ
આ પહેલા L&T ના ચેરમેન સુબ્રમણ્યમે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રવિવારે ઘરે બેસીને તમે શું કરશો? ક્યાં સુધી તમે પત્નીને નિહાળતા રહેશો? પત્નીઓ ક્યાં સુધી પોતાના પતિને જોતી રહેશે? ઓફિસ જાઓ અને કામ શરૂ કરો. તેમના આ નિવેદન પર ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
મહિન્દ્રાનું નિવેદન વાયરલ થયું
આ ચર્ચાને નવી દિશા આપતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે કામની ગુણવત્તા તેના ક્વોન્ટીટી કરતાં વધુ મહત્વ ધરાવે છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.