અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં તાજેતરમાં સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. નવ નિયુક્તિ કમિટી દ્વારા ખાનગી સ્કૂલોના બેફામ ફી વધારા પર લગામ કસવાનુ શરૂ કર્યું હોવાની વિગતો જાણવા મળી છે.
અમદાવાદ શહેરના સુઘડ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ દ્વારા કમિટી સમક્ષ રૂ.17 હજારનો ફી વધારો માગ્યો હતો, ત્યારે કમિટીએ આ સ્કૂલને માત્ર રૂ.92નો ફી વધારો કરી આપ્યો છે. એટલુ જ નહી, કમિટીએ સ્કૂલને સ્પષ્ટ તાકીદ કરી છે કે, એક ક્વાર્ટરથી વધુ ફી એક સાથે વસુલી શકાશે નહી. જો વાલીઓ પાસેથી એક સાથે વધુ ફીની માગ કરવામાં આવશે સ્કૂલ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
સ્કૂલ સંચાલકો અને કેટલાક વાલીઓ પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા તાજેતરમાં કેટલીક ખાનગી સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. આ ઓર્ડરમાં કમિટીએ બેફામ ફી વસુલતા સંચાલકો પર રોક લગાવતા ઓર્ડર ઈશ્યૂ કર્યાં હોવાથી શિક્ષણ આલમમા ચકચારી મચવા પામી છે. સુઘડની આનંદ નિકેતન સ્કૂલની જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે એમાં આ સ્કૂલ દ્વારા વર્ષ-2024-25માં પ્રિ-પ્રાયમરી અને ધોરણ.1થી 4માં રૂ.1 લાખ ફી માગી હતી. આ સ્કૂલની વર્ષ-2023-24ની ફી રૂ.82,908 હતી. આમ સ્કૂલ દ્વારા રૂ.17 હજારનો ફી વધારો માગવામાં આવ્યો હતો. જેની સામે કમિટીએ રૂ.83,000 ફી મંજુર કરી છે. એ સિવાય ધોરણ.1થી 5માં સ્કૂલની વર્ષ-2023-24ની ફી રૂ.89,854 હતી જેની સામે રૂ.1,10,000 ફીની માગ કરી હતી, પરંતુ કમિટીએ રૂ.90,000 ફી મંજુર કરવામાં આવી છે. સેકન્ડરીમાં રૂ.95,697 ફી સામે સ્કૂલે રૂ.1,15,000ની માગ કરતાં કમિટીએ રૂ.96,000 ફી મંજુર કરી છે. આમ કમિટી દ્વારા માત્ર રૂ.100-200નો ફી વધારો આપી સ્કૂલ સંચાલકોને વાલીઓના ખીસ્સા ખંખેરવાની લૂંટ ચલાવતા રોક્યાં હોવાનું શિક્ષણ નિષ્ણાંતો જણાવે છે.
પોતાની રીતે થતાં 5 ટકાના વધારા પર પણ રોક લગાવી
ખાનગી સ્કૂલો દર વર્ષે ફીમાં જે 5 ટકાનો વધારો કરી દેતી હતી એના પર પણ રોક લગાવ્યો છે. આનંદન નિકેતન સ્કૂલની જે ફી નક્કી કરવામાં આવી છે એમાં વર્ષ-2024-25, વર્ષ-2025-26 અને વર્ષ-2026-27ની ફી જાહેર કરી દેવાઈ છે અને દર વર્ષે માત્ર રૂ.1 હજારનો જ ફી વધારો મંજુર કર્યો છે. જે ટકાવારીની દૃષ્ટીએ જોવા જઈએ તો માંડ 1 ટકા જેટલો જ વધારો થશે.
FRCમાંથી કાઢેલા ભરત પટેલ સામે કોઈ કાર્યવાહી નહીં
અમદાવાદ ઝોનની FRCના સભ્ય CA ભરત પટેલ દ્વારા કરોડોની કટકી કરાઈ હોવાની ફરિયાદો ઉઠતા તેમની હકાલપટ્ટી કરાઈ છે. આ સભ્યો દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાની ખુદ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી દ્વારા પણ આક્ષેપો કરાયા હતા. તેમ છતાં આ સભ્ય સામે આજદીન સુધી સરકાર દ્વારા કોઈ નક્કી કાર્યવાહી કરાઈ હોય તેવુ જણાતું નથી. સરકાર દ્વારા જ આખીયે ઘટનામાં ભીનું સંકેલી દેવાયું હોવાના આક્ષેપ થયાં છે.
Source link