આણંદના સોજીત્રાના દેવા તળપદ ગામે 40 જેટલા કપિરાજોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસથી પાણી ભરાયેલા હોવાથી એક વૃક્ષ પર કપિરાજોની ટોળકી ફસાયેલી હતી. જેમને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે.
વન વિભાગ અને દયા ફાઉન્ડેશન દ્વારા કરાયું રેસ્ક્યું
ઉલ્લેખનીય છે કે આણંદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને વરસાદે લાંબો વિરામ લીધો હોવા છતાં હજુ સુધી આ વરસાદી પાણી ઘણા વિસ્તારોમાં ઉતર્યા નથી. ત્યારે આ કપિરાજો જે જગ્યાએ ઝાડ પર ફસાયેલા હતા, તેની નીચે ભરાયેલા પાણીમાં મગર હોવાથી 10 દિવસથી દહેશતમાં આ કપિરાજોની ટોળકી હતી. ત્યારે ભારે જહેમત બાદ વન વિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ધોધમાર વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા
તમને જણાવી દઈએ કે સોજીત્રા પંથકમાં ગત દિવસોમાં વરસેલા ધોધમાર વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સોજીત્રાના ચારકુવા ભાગોળ, ચોતરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. હાલ પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે.
સોજીત્રામાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન
તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન કરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રસ્તાઓ પણ બિસ્માર થઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જિલ્લામાં રસ્તા રીપેરીંગની વાતો ચાલે છે, ત્યારે સોજીત્રામાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન થયા છે.
ખંભાતમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો
ખંભાતમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉંદેલ ગામના લોકો જાગ્યા ત્યારે ગામની ફરતે તમામ બાજુએ પાણી ફરી વળ્યા હતા અને બપોર સુધીમાં ગામમાં આવેલા ઘરોમાં છ ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. કેટલાક લોકોએ જીવન જોખમે ઉંચાણવાળા વિસ્તારમાં ધસી ગયા હતા. ત્યારે 17 દિવસ આ વાતને થયા હોવા છતાં હજુ પણ ગામમાં પાણી ઓસર્યા નથી.
Source link