ચરોતરના પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાવ્યા બાદ વતનને કયારેય ભુલતા નથી અને વતનના વિકાસ માટે દાનની સરવાણીઓ વહેવડાવતા હોય છે, ત્યારે આણંદ જિલ્લાના બોરસદ પાસે આવેલા નિસરાયા ગામના અને અમેરિકામાં સ્થાઈ થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદાએ પોતાના વતન નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાના નિર્માણ માટે મોટી રકમનું દાન કર્યું છે.
મેકદાદાએ 100 કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું
ગામના વિકાસ અને શાળાના સંચાલન માટે 100 કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું છે અને આ ફિકસ ડીપોઝીટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. 100 કરોડની રકમનું દાન કરનાર તેઓ કદાચ સૌ પ્રથમ ગુજરાતી છે. આજે તેઓ પોતાના વતન ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું.
મેક દાદા 65 વર્ષ બાદ પહેલી વાર વતનમાં આવ્યા
નિસરાયા ગામમાં શિક્ષણની સુવિધા ઉભી કરવા 85 વર્ષીય એનઆરઆઈ દાતા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદા શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવા ઉપરાંત રૂપિયા 100 કરોડની એફડી કરશે. જેનાથી સ્કૂલનું સંચાલન થઈ શકે. નિસરાયાના ગ્રામજનોના હિત માટે ઉદારતાથી સખાવત કરનાર ભામાશા મેક દાદા 65 વર્ષ બાદ પહેલી વાર વતનમાં આવતા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સામૈયું કરી સ્વાગત કરી સન્માન કર્યું હતું.
નિસરાયા ગામમાંથી 65 વર્ષ પહેલા અમેરિકા જઈને સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેક દાદા વતન નિસરાયાને સુવિધા સભર બનાવવા દાન કરતા આવ્યા છે. અગાઉ ગામમાં કોઈ મહત્વની જાહેરાત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની સુવિધા કરી આપી હતી. ત્યારબાદ ગામના વિશાળ ચોકનું નેતાજી નામકરણ કરીને આકર્ષક અને સુવિધા સજ્જ બનાવવા યોગદાન આપ્યુ હતું. સારા નરસા પ્રસંગોમાં ગ્રામજનોને ઉપયોગી બને તે માટે સ્વર્ગસ્થ ધર્મ પત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળા નિર્માણ કરવામાં આવી રહી છે. ગામના દરેક રસ્તાઓ જરૂરીયાત મુજબ આરસીસી કે બ્લોક વડે નવિનીકરણમાં સિંહફાળો આપ્યો છે.
જરૂરીયાતમંદ બાળકોને ભણવાનું અને જમવાનું મળશે
શિક્ષણ પ્રત્યે અનેરો લગાવ ધરાવતા દાતાએ આર્થિક મુશ્કેલીના કારણોસર કોઈ શિક્ષણથી વંચિત ના રહે તે માટે મહેન્દ્રભાઈ પટેલે નિસરાયા ગામમાં શૈક્ષણિક સંકુલ નિર્માણ માટે સંકલ્પ કર્યો છે. જેમનું તેમની હાજરીમાં ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું તેમજ શૈક્ષણિક સંસ્થા શરૂ થયા બાદ તેના નિભાવ માટે રૂપિયા 100 કરોડ જેટલી માતબર રકમની ડિપોઝિટ કરવામાં આવી છે અને આ ડિપોઝિટ પરના વ્યાજ આવક પરથી સંસ્થાનો નિભાવ ખર્ચની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. શૈક્ષણિક સંકુલ ખાતે જરૂરીયાતમંદ બાળકોને ધોરણ 9થી 12 સુધી વિનામૂલ્યે ભણવાનું જમવાનું રહેવાનું મળી રહેશે.
ધર્મશાળા તૈયાર થતાં મેકદાદાની હાજરીમાં ખુલ્લી મૂકાશે
સારા નરસા પ્રસંગોમાં ગ્રામજનોને ઉપયોગી બને તે માટે સ્વર્ગસ્થ ધર્મ પત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળા નિર્માણ કરવામાં આવી રહી છે. જેના માટે મહેન્દ્રભાઈ પટેલે રૂપિયા 45 લાખનું દાન આપ્યુ હતું. આ ધર્મશાળા તૈયાર થતાં મેકદાદાની હાજરીમાં ખુલ્લી મૂકાશે. તેઓએ જમીન કે મિલકતની હદ બાબતે સંભવિત ઝઘડાની પરિસ્થિતિના નિવારણ માટે સુલેહ શાંતિ રહે તે માટે યોગ્ય માપ નકશા સાથે દિવાલો માટે પણ દાન આપ્યું છે. જેના કારણે ગામમાં ક્યાંય પણ હદ બાબતે કોઈ સમસ્યા રહી નથી.
Source link