આણંદ જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો પાછોતરા વરસાદના કારણે પાયમાલ બન્યા છે. ડાંગર પાકની કાપણી સમયે જ પવન સાથે ખાબકેલા ભારે તોફાની વરસાદને લઈ ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો.
તોફાની વરસાદને લઈ ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો
જેને લઈ ડાંગરનો તમામ પાક ખલાસ થઈ ગયો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. ત્યારે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. આણંદ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં કેટલાય અરમાનો અને સપનાઓ સાથે ખેડૂતોએ 4 મહિના અગાઉ ડાંગરના પાકની વાવણી કરી હતી.
તહેવારો ટાણે જ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું
મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરીને ચાર ચાર મહિના સુધી ડાંગરના પાકની માવજત કરી તૈયાર થયેલા પાકને જોઈ ખેડૂતો મલકાઈ રહ્યા હતા અને આવનાર દિવાળીનો તહેવાર અને ત્યારબાદ લગ્નગાળાની સિઝનમા ડાંગર વેચી તહેવાર ઉજવીશું અને લગ્ન લઈશું તેવા સપનાઓ સેવ્યા હતા. પરંતુ નવરાત્રિ બાદ મીની વાવાઝોડું અને ત્યારબાદ બે-બે વખત પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની તમામ આશાઓ અને સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. પાછોતરા વરસાદને લઈ તૈયાર થયેલા ડાંગરનો પાક નષ્ટ થયો છે, જેને લઈ ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
આણંદ જિલ્લાના આંકલાવ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ અને તારાપુરના ખેડૂતો દ્વારા મોટાપાયે ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ નવરાત્રિ બાદ વાવાઝોડામાં અને ત્યારબાદ ખાબકેલા વરસાદમાં મોટાભાગનો ડાંગર પાકનો સોથ વળી ગયો હતો. જ્યારે 30 ટકા જેટલો પાક બચી ગયો હતો. જેને લઈ ખેડૂતોને થોડી ઘણી આશા હતી અને બચી ગયેલા પાકની કાપણી કરવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી.
સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતની માગ
બરોબર તે જ સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોની થોડી ઘણી બચેલી આશા પર પણ પાણી ફરી વળ્યું છે. પાછોતરા વરસાદને લઈ ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ભારે પવનને લઈ પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ત્યારે હવે આવનાર દિવાળી પર્વ ખેડૂતો પોતાના પરિવારો સાથે કેવી રીતે ઉજવશે અને કેટલાક ખેડૂતોએ તો દિવાળી બાદ પોતાના દીકરા દીકરીના લગ્નની તૈયારીઓ પણ કરી હતી, પરંતુ તમામ સપના તૂટી ગયા છે.
કેટલાક ખેડૂતો દ્વારા લોન લઈને ખેતરોમાં વાવણી કરી અને પાક નષ્ટ થતાં હવે લોનના હપ્તા કઈ રીતે ભરશે તેવા સવાલો ખેડૂતોને સતાવી રહ્યા છે. ત્યારે પાયમાલ થયેલા ખેડૂતોની વ્હારે સરકાર આવે અને વહેલી તકે નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
Source link