- પૈસા બાબતની ઉઘરાણી મામલે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો
- પ્રત્યક્ષ દર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટના કેદ કરી
- આરોપીના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
અંજાર શહેર ખાતે બપોરના સમયે ગંગાનાકા વિસ્તારમાં સરાજાહેર માત્ર 5000 રૂપિયાની ઉઘરાણી બાબતમાં થયેલ બોલાચાલીની ઘટના હત્યાની ઘટનામાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 45 વર્ષીય જગદીશ દાતણિયા નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકીને કાનજી દાતણિયા દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રત્યક્ષ દર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટના કેદ કરી
સમગ્ર ઘટના એક પ્રત્યક્ષ દર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટના કેદ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છના એસ.પી.સાગર બાગમારના જણાવ્યા અનુસાર હત્યાની ઘટના સામે આવતા તાત્કાલિક અસરથી હત્યાની ઘટનામાં સામેલ કાનજી દાતણીયાની અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ સમગ્ર બનાવ સંદર્ભે બીએનએસની કલમ 103 (1) મુજબ કાનજી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મરણ જનાર જગદીશને 5000 રૂપિયા કાનજી દાતણીયા પાસેથી લેણા પેટે નીકળતા હતા. જે રૂપિયા કાનજી દાતણીયા તેને પરત નહોતો આપી રહ્યો. મરણ જનાર જગદીશ તેમજ આરોપી કાનજી બંને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
પૈસા બાબતની ઉઘરાણી મામલે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો
બુધવારના કાનજી તેમજ જગદીશ બંને એક જ એકટીવા પર બેસીને ગંગાનાકા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે પૈસા બાબતની ઉઘરાણી મામલે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. આ બનાવમાં આજે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Source link