દેશમાં મંકીપોક્સનો ખતરો સતત વધી રહ્યો છે. કેરળમાં મંકીપોક્સનો બીજો દર્દી મળ્યો છે. દેશમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે. કેરળનો 29 વર્ષનો એક યુવક યુએઇથી એર્નાકુલમ પરત ફર્યો હતો.
તેને સખત તાવ હતો. ટેસ્ટ કરાતા મંકીપોક્સની પુષ્ટિ થઇ છે. જોકે હજુ સ્ટ્રેન જાણી શકાયો નથી. દર્દીને આઇસોલેટ કરી દેવાયો છે. કેરળના આરોગ્ય વિભાગે જણાવ્યું કે કોચ્ચિની પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે અને હાલ તેની હાલત સ્થિર છે. તેના સેમ્પલનું અલાપુઝા સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીની લેબમાં ટેસ્ટિંગ કરાયું હતું. સેમ્પલ પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં જિનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલાયા છે. નોંધનીય છે કે 18 સપ્ટેમ્બરે ભારતમાં મંકીપોક્સનો બીજો અને ક્લેડ-વન બી સ્ટ્રેનનો પહેલો દર્દી મળ્યો હતો.
38 વર્ષનો તે યુવક પણ યુએઇથી જ કેરળના મલપ્પુરમ પરત ફર્યો હતો. તે 17 સપ્ટેમ્બરે ક્વોરેન્ટાઇન થઇ ગયો હતો. નોંધનીય છે કે મંકીપોક્સનો ક્લેડ-વન બી સ્ટ્રેન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઘોષિત પબ્લિક ઇમરજન્સી એલર્ટ હેઠળ આવે છે. ત્યાર બાદ કેરળના તમામ જિલ્લાઓમાં આઇસોલેશન સુવિધા ઊભી કરવામાં આવી હતી. સાથે જ મોનિટરિંગ પણ વધારી દેવાયું હતું.
ગુરુવારે આરોગ્ય મંત્રાલયે એડવાઇઝરી જારી કરી હતી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ દેશમાં મંકીપોક્સ મહામારી ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જારી કરી હતી, જેમાં મંકીપોક્સ મહામારી ફેલાવાની ચેતવણી આપતા જણાવાયું હતું કે વયસ્ક લોકોમાં મંકીપોક્સના ક્લેડ-વનનું સંક્રમણ પણ ક્લેડ-2 જેવું જ હોઇ શકે છે પરંતુ તેની અસર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. એડવાઇઝરીમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ જણાય તો તેને ફરજિયાત ધોરણે આઇસોલેટ કરવા અને સંક્રમણ ફેલાતું રોકવા તાલીમબદ્ધ કર્મચારીઓ તહેનાત કરવા સાથે કડક પગલાં લેવા સલાહ અપાઇ હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ રાજ્યોને મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓના ત્વચાના ઘાના સેમ્પલ તત્કાળ મોટી લેબમાં મોકલવા કહ્યું હતું. પોઝિટિવ આવનારા દર્દીઓના સેમ્પલ ક્લેડની તપાસ માટે પૂણે સ્થિત ICMR-NIVખાતે મોકલાશે. દેશભરમાં 36 ICMR લેબ અને ત્રણ કોમર્શિયલ પીસીઆર કિટ ઉપલબ્ધ છે.
9મીએ હરિયાણામાં પહેલો કેસ નોંધાયો હતો
ગત 9 સપ્ટેમ્બરે ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયાની પુષ્ટિ થઇ હતી. હરિયાણાના હિસારમાં 26 વર્ષનો એક યુવક મંકીપોક્સના ક્લેડ-2 સ્ટ્રેનથી સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તે વિદેશથી પાછો ફર્યો હતો. તેને 8 સપ્ટેમ્બરે આઇસોલેશનમાં રખાયો હતો. સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરાતા મંકીપોક્સની પુષ્ટિ થઇ હતી.
Source link