બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનીંગ ફેસ્ટિવલ યોજાયો હતો. રાજ્યના માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યામંદિર ખાતે યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ ૧૮ જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લાલી, તર્પણ, મિટ્ટી પાણી, દાયણ, રૂટ ઑફ ડેથ, બુટ, મિડલ ક્લાસ, માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા.
શોર્ટ ફિલ્મ સ્ક્રીનીંગનો ફેસ્ટિવલ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં સૌપ્રથમ આ રીતે ઘર આંગણે શોર્ટ ફિલ્મ સ્ક્રીનીંગનો ફેસ્ટિવલ યોજાયો છે. તેમણે કહ્યું કે, સ્પર્ધા નહીં પણ સ્ક્રીનીંગ કરીએ. સ્થાનિક રંગમંચના કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ મુજબના કાર્યક્રમથી બનાસવાસીઓ પોતાની કલાને દેશ અને દુનિયા સમક્ષ મૂકી શકશે.
અનેક લોકો જોડાયા પ્રોગામમાં
આ ફેસ્ટિવલમાં રાજ્યના માહિતી નિયામક કે.એલ.બચાણી(IAS)એ સ્થાનિક કલાકારોને અભિનંદન પાઠવીને જણાવ્યું કે, દરેક ક્ષેત્ર મહેનત અને જુસ્સો માંગે છે. તેમણે વડાપ્રધાનના ૨૦૪૭ના વિકસિત ભારતના યોગદાનમાં ફિલ્મ સહિત દરેક ક્ષેત્રનું આગવું મહત્વ બની રહેશે. તેમણે પાલનપુરના સંસ્મરણોને યાદ કર્યા હતા. તેમણે દિગ્દર્શક લોકેશ કનાગરાજના જીવન ચરિત્ર અને સિદ્ધિઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી. તેમણે પાલનપુરની દીકરી આધ્યા ત્રિવેદીને બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક વિજયગીરી બાવા, શ્રી વિજયભાઈ ઠાકર સહિત પાલનપુર રેડિયો અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Source link