Delhi CM : દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને લોક દરબારમાં 35 વર્ષીય વ્યક્તિએ લાફો માર્યો, ભાજપ લાલઘૂમ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોક દરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, આરોપી બૂમો પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને લાફો ઝીંકી દીધો અને ગાળો ભાંડવા લાગ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.
હુમલાખોરની ધરપકડ
જોકે, બાદમાં પોલીસે તરત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ હુમલો કેમ કરવામાં આવ્યો તે વિશેનું કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ, આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી.
ભાજપ અધ્યક્ષે કરી નિંદા
મુખ્યમંત્રી પર હુમલાની ખબર સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ઘટનાની આકરી નિંદા કરી હતી અને તેને લોકતાંત્રિક પ્રક્રિયા પર હુમલો કહ્યું હતું.
રાજકોટનો રહેવાસી છે આરોપી
મળેલી માહિતી મુજબ, આરોપીએ પોતાનું નામ રાજેશ ભાઈ ખીમજી સાકરિયા જણાવ્યું છે. આરોપી રાજકોટનો રહેવાસી છે. તેની ઉંમર 35 વર્ષ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલા અંગે માહિતી આપી છે.