Lakhtar ખાતે ખેતીવાડી-ઉત્પન્ન બજાર સમિતિના શોપ-કમ-ગોડાઉન બાબતે વાઈસ ચેરમેન અને સેક્રેટરી આમને-સામને
લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા એપીએમસીની જગ્યા પર વર્ષ 2022માં 14 શોપ કમ ગોડાઉન બનાવાયા હતા. આ કામ છ માસમાં પુરૂ કરવાનું હતુ. જયારે ડિપોઝિટ પુરી ભરી હોય તેઓને દુકાન આપવાનો કરાર હતો.
ત્યારે આ વાતને 3 વર્ષ થઈ જવા છતાં હજુ સુધી એક પણ દુકાનદારને દુકાન ન મળતા અરજદારની રજૂઆત લઈને એપીએમસીના વાઈસ ચેરમેન સેક્રેટરી પાસે જતા મામલો બિચકયો હતો. અને બન્નેએ એકબીજા સામે આક્ષેપો કર્યા છે.
લખતરના સદાદ રોડે મામલતદાર કચેરી સામે લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. અહીં લખતર ઉપરાંત ગ્રામ્ય પંથકના ઝમર, મોઢવાણા, અણિયાળી, અંકેવાળીયા, વણા, આદલસર, લીલાપુર, છારદ, ઓળક, વિઠ્ઠલાપરા સહિતના ગામોના ખેડુતો પોતાની ખેત પેદાશો વેચવા આવે છે. ત્યારે વર્ષ 2022માં લખતર એપીએમસી દ્વારા વેપારીઓ માટે શોપ કમ ગોડાઉન બનાવવાની જાહેરાત કરી ટેન્ડર બહાર પડાયા હતા.
જેમાં વેપારીઓએ શોપ બુક કરાવી હતી અને અમુક વેપારીઓએ ડીપોઝીટ પણ ભરી હતી. આ વાતને 3 વર્ષ થઈ જવા છતાં વેપારીઓને દુકાનો ન મળતા તેઓ અકળાયા હતા અને એક દુકાનદારે આ અંગે વાઈસ ચેરમેનને રજૂઆત કરી હતી. જેમાં વીસી અને સેક્રેટરી આમને સામને આવી ગયા છે. અરજદાર દ્વારા તેઓને દુકાનો ન આપી ભાડે આપી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ સેક્રેટરીએ દુકાનો કોઈને ભાડે નહી આપી હોવાનું તથા હાલ એપીએમસીની સાઈટમાં કામ કરતા મજૂરોને આશરો આપવા અપાઈ હોવાનું જણાવ્યુ હતુ. સમગ્ર મામલો લખતર ઉપરાંત જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
અમારી દુકાનો ભાડે આપી દેવાઈ છે
આ અંગે દુકાન લેનાર અને હપ્તા ભરનાર ધવલભાઈ પટેલે જણાવ્યુ કે, અમોએ 14 શોપ કમ ગોડાઉનમાંથી 4 દુકાનો લીધી છે. જેના 4.50 લાખ લેખે હપ્તા પણ ભર્યા છે. હાલ દુકાનનું કામ પુરૂ થયુ હોવા છતાં અમોને સોંપાતી નથી. અને અમારી દુકાનો કોઈને ભાડે આપી દેવાઈ છે. અન્ય દુકાનોમાં તો વીજ મીટર લગાવવાની મંજુરી પણ અપાઈ છે. બીજી તરફ દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. ટેન્ડર મુજબની કોઈ કામગીરી થઈ નથી.
અરજદારે દુકાનો જોઈતી નથી કહી ડિપોઝિટ પરત માંગી છે
સેક્રેટરી ડી.ડી.મોરીએ જણાવ્યુ કે, વર્ષ 2022માં કરાર મુજબ શોપ કમ ગોડાઉન બનાવવાની શરૂઆત થઈ હતી અને 6 માસમાં કામ પુરૂ કરવાનું હતુ. પરંતુ બાંધકામમાં વિલંબ અને પુરતી રકમ ન આવવાથી દુકાનો સોંપાઈ ન હતી. કરાર મુજબ દુકાનોની પુરી રકમ આવે તો કબજો આપવાની શરત છે. જયારે અરજદાર ધવલ પટેલે પોતાને દુકાનો જોઈતી નથી તેમ લેખિત આપી ડિપોઝિટ પરત માંગી છે. જે તા. 29-6-24ની સામાન્ય સભામાં રજૂ થયુ હતુ. ત્યારે હવે આ દુકાનો રી-સેલ કરી તેમાંથી ઉપજેલા નાણાં દુકાનદારને પરત આપવાનું નક્કી થયુ છે. જયારે રહી વાત દુકાનો ભાડે આપવાની તો કોઈ દુકાનો ભાડે અપાઈ નથી. એક-બે દુકાનોમાં ચોમાસુ હોવાથી APMCની સાઈટના મજુરોને આશરો અપાયો છે.
સેક્રેટરીની મનમાની નહીં ચલાવી લેવાય : VC
આ અંગે લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેન કમલેશભાઈ હાડીએ જણાવ્યુ કે, અરજદાર ધવલભાઈ તરફથી મને રજૂઆત મળતા હું સેક્રેટરી ડી. ડી.મોરી પાસે જાણવા ગયો હતો. ત્યારે તેઓએ કોઈપણ પ્રકારના પુરાવા દર્શાવવાનો ઈન્કાર કરી પોતાની મનમાની કરી હતી. દુકાનદારોએ પૈસા ભર્યા હોય તો તેઓને કબજો મળવો જ જોઈએ. અમુક દુકાનો સેક્રેટરીએ પોતાની મનમાની ચલાવી ભાડે આપી દીધી હોવાનું પણ સામે આવ્યુ છે. જયારે અમુક દુકાનોનો કબજો પણ સોંપાયો છે.
Source link