અમદાવાદના નિકોલમાં આવેલા ભુવાલડી ગામમાં સોમવાર સવારે મામલતદારના આદેશ બાદ જમીનનો કબ્જો લેવા ગયેલા લોકો પર 15થી વધુ શખ્સોના ટોળાએ તલવારો અને દંડાઓથી હિચકારો હુમલો કરીને 5 વાહનોમાં તોડફોડ કરી હતી અને બાદમાં પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં વર્ષ 1975થી ગણતીયા તરીકે ધીરુભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ બંને ભાઈઓ જમીનના માલિક હોવાનો દાવો કરી રહ્યા છે. જે મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે.
8 વીઘા જમીન અંગેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો
ત્યારે ભુવાલડી ગામના લોકો આજે વિરોધમાં ઉતરીને જમીનનો કબ્જો લેવા આવેલા શખ્સોના વાહનોમાં તોડફોડ કરીને માથાકૂટ કરી હતી. આ અંગે નિકોલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. નિકોલના કઠવાડા નજીક આવેલા ભૂવાલડી ગામમાં જમીન બાબતમાં ધીંગાણું સર્જાયું હતું. વડીલો પાર્જીત 8 વીઘા જમીન અંગેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારબાદ મામલતદારના આદેશ બાદ નિકોલ વિસ્તારમાં રહેતા બંને વૃદ્ધ ભાઈઓ જમીનનો કબ્જો લેવા સારું સોમવાર ભુવાલડી ગામે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં મંદિર પણ હોવાથી મામલાની જાણ ગ્રામજનોને થતાં જ ગામના લોકો તલવારો સાથે ઘાતક હથિયાર લઈને જમીન પર આવી પહોંચ્યા હતા.
પોલીસે ટીમો બનાવી ગામમાં તપાસ હાથ ધરી
જમીનનો કબ્જો લેવા આવેલા લોકો પર હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરીને મામલતદારના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યુ છે. ગ્રામજનોના ટોળાને જોતા જ જમીનનો કબ્જો લેવા આવેલા બંને ભાઈઓ અને તેમની સાથે આવેલા લોકો નાસી ગયા હતા. ભુવાલડી ગામના લોકોએ 5થી વધુ વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા. તેમજ પથ્થરમારો કરતા ચાર લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી. મામલાની જાણ નિકોલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડયો હતો. આ અંગે ધીરુભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ સહિત અન્ય લોકોના નિકોલ પોલીસે નિવેદન નોંધીને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.
Source link