- અકાલ તખ્તે સુખબીરસિંહ બાદલને તનખૈયા જાહેર કર્યા
- હવે અકાલ તખ્ત જે સજા કરે તેનું પાલન કરવું પડશે
- સુખબીરસિંહનાં કેટલાક નિર્ણયોથી પાર્ટીને તેમજ શીખોને નુકસાન થયું હોવાનો દાવો
શીખોની સૌથી મોટામાં મોટી સંસ્થા અકાલ તખ્ત દ્વારા પંજાબનાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને શિરોમણિ અકાલી દળનાં ચીફ સુખબીરસિંહ બાદલને તનખૈયા જાહેર કરવામાં આવ્યા છે. હવે અકાલ તખ્ત જે સજા ફરમાવે તેનું બાદલે પાલન કરવાનું રહેશે. સુખબીરસિંહ બાદલને પાર્ટી દ્વારા 2007૭થી 2017 સુધી તેમની પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલી ધાર્મિક ભૂલો અને ગેરરીતિઓ માટે દોષિત ઠરાવવામાં આવ્યા છે.
બાદલે પંજાબીમાં એક પોસ્ટમાં કહ્યું કે તે ટૂંક સમયમાં શ્રી અકાલ તખ્ત સમક્ષ હાજર થઈને માફી માંગશે
અકાલ તખ્તે અકાલી દળનાં નેતા ને તનખૈયા જાહેર કર્યા છે. પાંચ તખ્તોનાં સિંહ સાહિબાનની બેઠક પછી અકાલ તખ્તનાં જત્થેદાર જ્ઞાની રઘબીરસિંહે કહ્યું હતું કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે બાદલ જ્યારે ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમજ શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ હતા ત્યારે તેમણે લીધેલા કેટલાક નિર્ણયોથી પાર્ટીને અસર થઈ હતી અને શીખોના હિતોને નુકસાન પહોંચ્યું હતું. આ જાહેરાત પછી તરત જ સુખબીર સિંહ બાદલે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ શ્રી અકાલ તખ્ત સાહિબના આદેશ સામે માથું નમાવીને આ આદેશને સ્વીકારે છે. બાદલે પંજાબીમાં એક પોસ્ટમાં કહ્યું કે તે ટૂંક સમયમાં શ્રી અકાલ તખ્ત સમક્ષ હાજર થઈને માફી માંગશે.
ક્યાં સુધી તનખૈયા દોષિત ગણાશે?
અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની રઘબીરસિંહે કહ્યું હતું કે જ્યાં સુધી બાદલ દ્વારા શ્રી ગુરુ ગ્રંથ સાહિબની હાજરીમાં અકાલ તખ્ત સામે હાજર થઈને તેઓ તેમની ભૂલો માટે માફી નહીં માંગે ત્યાં સુધી તેમને તનખૈયા દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જત્થેદારે કહ્યું હતું કે અકાલ તખ્તની બેઠક પછી એવું નક્કી કરાયું છે કે 2007થી 2017 સુધી અકાલી મંત્રીમંડળનાં હિસ્સો રહેલા શીખ સમુદાયનાં મંત્રીઓએ પણ 15 દિવસમાં અકાલ તખ્થ સમક્ષ હાજર થઈને આ મામલે લેખિતમાં ખુલાસો કરવાનો રહેશે.
સુખબીરસિંહે બિનશરતી માફી માંગી
સુખબીરસિંહ બાદલે પંજાબમાં અકાલી દળ જ્યાં સુધી સત્તા પર હતું ત્યારે કરવામાં આવેલી તમામ ભૂલો માટે બિનશરતી માફી માંગી હતી. આ અગાઉ એક પત્રમાં તેમણે લખ્યું હતું કે, તેઓ ગુરુના વિનમ્ર સેવક છે અને ગુરુ ગ્રંથ સાહિબ તેમજ અકાલ તખ્ત પ્રત્યે તેઓ સમર્પિત છે.
તનખૈયાને કઈ કઈ સજા કરાય છે?
શીખ ધર્મમાં સામેલ લોકો દ્વારા જ્યારે ધાર્મિક ભૂલો કરવામાં આવે ત્યારે તેમને તનખૈયા જાહેર કરવામાં આવે છે. ફક્ત શીખોને જ આ સજા કરાય છે. જેમાં ગુરુદ્વારામાં વાસણ સાફ કરવા, જૂતા સાફ કરવા તેમજ સાફ-સફાઈનું કામ કરવાની સજા કરાય છે. તેનું પાલન નહીં કરનારનો ધાર્મિક બૉયકોટ કરાય છે. તેઓ કોઈ ગુરુદ્વારામાં જઈ શકતા નથી કે કોઈ પૂજા પાઠ કરી શકતા નથી.
Source link