GUJARAT

Surendranagar: મૂળી લેન્ડ ગ્રેબિંગ કેસમાં બે આરોપીના જામીન રદ

સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા ખેડૂતની મૂળી ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. આ જમીન પર ગામના બે શખ્સોએ પાકુ બાંધકામ કરી મકાન બનાવી નાંખ્યુ હતુ. આ બે શખ્સો સામે મૂળી પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની ફરિયાદ ગત ઓગસ્ટ માસમાં નોંધાઈ હતી. જેમાં જેલવાસ ભોગવતા બન્ને આરોપીઓએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.

સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા કરણસીંહ નીર્મળસીંહ પરમારનું મુળ વતન મુળી છે. મૂળીની સીમમાં તેમની વડિલોપાર્જીત ખેતીની જમીન આવેલી છે. વર્ષ 2016માં જમીનની માપણી કરાવતા ક્ષેત્રફળમાં ઘટ આવી હતી. આથી તપાસ કરતા તેમની જમીન પર મુળીના લખમણભાઈ ચતુરભાઈ કોળી, ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોળીએ તેઓની ખેતીની જમીન પર પાકુ મકાન બનાવી નાંખ્યુ હતુ. આથી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કલેકટર કચેરીમાં અરજી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે ગત તા. 3-8-2024ના રોજ મળેલી બેઠકમાં એફઆઈઆર કરવાનો હુકમ કર્યો હતો. આથી કરણસીંહ પરમારે ગત તા. 22મી ઓગસ્ટના રોજ મૂળી પોલીસ મથકે આરોપી લખમણભાઈ ચતુરભાઈ કોળી, ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોળી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલવાસ ભોગવતા બન્ને આરોપીઓએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, ફરીયાદી વાળી જમીનની તા. 4-1-2024ના રોજ કરાયેલ માપણી મુજબ માપણી સીટમાં 304 ચો.મી. જમીનમાં ગેરકાયદેસર કબજો કરાયો હોવાનું સામે આવ્યુ છે. જો આરોપીઓને જામીન પર મુકત કરાશે તો તેઓ ફરિયાદ પક્ષ અને સાહેદો પર દબાણ લાવવાનો પ્રયત્ન કરશે. આથી લેન્ડ ગ્રેબીંગ સ્પેશ્યલ કોર્ટ અને એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપીઓ લખમણ કોળી અને ઘનશ્યામ કોળીની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button