- બનાસકાંઠામાં DPEOએ કાર્યવાહી કરતા 9 જેટલા શિક્ષકોને કર્યા બરતરફ
- સતત 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી
- શિક્ષકોના રાજીનામાં ગણી બરતરફની કાર્યવાહી કરાઈ
રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો મામલો હાલમાં ચર્ચામાં છે. રાજ્યમાં ઘણા શિક્ષકો છેલ્લા કેટલાક સમયથી ગેરહાજર જોવા મળી રહ્યા છે અને તેઓ વિદેશમાં ફરી રહ્યા છે અથવા તો કોઈ કારણસર શાળાએ જતા નથી અને બાળકોનો અભ્યાસક્રમ ટલ્લે ચઢ્યો છે.
સતત 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ અધિકારીએ કરી કાર્યવાહી
ત્યારે હવે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરી છે અને 9 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારીએ બરતરફ કર્યા છે. સતત છેલ્લા 1 વર્ષથી ગેરહાજર રહેલા શિક્ષકોની યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષકોના રાજીનામા ગણીને બરતરફની કાર્યવાહી કરી છે.
સુરતમાં પણ ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને કાર્યવાહી
બીજી તરફ સુરતમાં પણ ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. નિમિષા પટેલ નામના શિક્ષકને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 1 વર્ષથી સતત ગેરહાજર હતા અને 15 જેટલી નોટિસો આપવામાં આવી હતી. આ સિવાય અન્સારી અને આરતી ચૌધરી નામના શિક્ષકોને પણ નોટિસ આપવામાં આવી છે અને 23મી ઓગસ્ટે જવાબ લખાવવા માટે બોલાવવામાં આવ્યા છે અને જો તેઓ હાજર નહી રહે તો તેમને પણ ટર્મિનેટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે SMCમાં દરેક ઝોનવાઈઝ ટીમ બનાવવામાં આવી છે અને દરેક ટીમ શિક્ષકોની હાજરીનો રિપોર્ટ સબમિટ કરે છે.
વડોદરામાં 9 શિક્ષકને ફરજ મુક્ત કરાશે
વડોદરામાં 9 ભૂતિયા શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવશે. આવતીકાલે બુધવારે તમામને નોકરી પરથી કાઢી મુકવામાં આવશે. આ 9 શિક્ષકો 90થી વધુ દિવસથી ગેરહાજર છે અને 3 દિવસની નોટિસ આપવા છતાં એક પણ શિક્ષક સ્કુલમાં હાજર થયા નથી. એટલે હવે આ શિક્ષકો સામે પગલા ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાદરાની સરકારી શાળાના શિક્ષક પ્રકાશ વાળંદ ગેરહાજર છે. આ સાથે જ જાગૃતિ મેવાડા, કોમલ બારોટ સામે કાર્યવાહી કરવામાં આવશે તથા ઈન્દ્રજીત સિસોદીયા, વૈશાલી પટેલ અને કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ સામે પગલા લેવામાં આવશે, ત્યારે પ્રવિણ સોલંકી, કોમલ ત્રિવેદી નામના શિક્ષકો સામે પણ કાર્યવાહી કરાશે.
Source link