GUJARAT

Banaskantha: દાંતીવાડામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારતા શિક્ષક સામે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાની સરકારી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની છે. ધોરણ 8ના વિદ્યાર્થી સ્મિત પટેલને શિક્ષકે રૂમમાં પૂરી ઢોર માર માર્યો હતો.

પીડિત વિદ્યાર્થીના વાલીએ દાંતીવાડા પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીના વાલી દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પુત્ર સ્મિત ધોરણ 8માં અભ્યાસ કરે છે. અવાર-નવાર મારો પુત્ર મને ફરિયાદ કરે છે કે, અશોકભાઈ ચૌધરી સાહેબ મને ભણાવતા નથી અને માર મારતા હોય છે એક વર્ષ અગાઉ પણ સ્મિતને માર માર્યો હતો અને મારી માફી માગી હતી એટલે કોઈ ફરિયાદ કરી ન હતી. આ વખતે ફરી માર્યો છે અન્ય કેટલાય છોકરાઓને માર્યા છે, જે વિદ્યાર્થીઓને માર માર્યો છે તે વિદ્યાર્થીઓના કોઈ વાલી નથી. એ બાળકોનું પાલન પોષણ હું કરુ છું. તો આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓને મારે છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

આણંદના બોરસદમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકને સજા કરવામાં આવી હતી

આણંદનાં બોરસદમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકને કોર્ટે સજા કરી છે. વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને એક વર્ષની જેલ અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આણંદનાં બોરસદની ઈશ્વરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા સંગીતા પઢીયારે ધો. 5 ની વિદ્યાર્થીનીને વાંચતા ન આવડતા માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાબતે વિદ્યાર્થીનીનાં પિતાએ શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા બોરસદ કોર્ટે કેસની સુનાવણી બાદ શિક્ષિકાને એક વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો.

વિદ્યાર્થીનીના વાલીએ શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

મળતી માહિતી મુજબ બોરસદમાં ભક્તિનંદન સોસાયટીમાં રહેતા અને ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સંગીતાબેન પઢીયારે તા. 12.3.2024 નાં રોજ ધો. 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વાંચવા માટે કહ્યું હતું. પરંતું વિદ્યાર્થીની બરાબર વાંચી ન શકતા સંગીતાબેને વિદ્યાર્થીનીને માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાબતની જાણ વિદ્યાર્થીનીએ માતા-પિતાને કરતા માતા પિતા દ્વારા બોરસદ પોલીસ મથકે શિક્ષિકા સંગીતાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા સંગીતાબેન સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી. ત્યારે ચાર્જશીટ તૈયાર કરી બોરસદ કોર્ટમાં દાખલ કરી હતી.

એક વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો

આ કેસ બોરસદનાં એડિ. ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી તરફે વકીલ એસ.એ.દવેએ 10 જેટલા મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમજ ધારદાર દલીલો કરી હતી. જેને ધ્યાને લઈ ન્યાયાધીશ દ્વારા આરોપી શિક્ષિકા સંગીતાબેન પઢીયારને જ્યુવેનાઈલ જસ્ટીસ એક્ટ 2016 ની કલમ-75 હેઠળ કસુરવાર ઠેરવી એક વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની સાદી કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button