GUJARAT

Banaskantha: વાવ પેટા ચૂંટણીમાં ભાજપની રણનીતિ, કોંગ્રેસનો આત્મવિશ્વાસ!

વાવ લોકસભા બેઠક ગુમાવ્યા બાદ ભાજપે હવે વાવ વિધાનસભા બેઠકને જીતવા માટે રણનીતિ તૈયાર કરી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ જીત માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે.

વાવ બેઠક એટલે પ્રતિષ્ઠાની જંગ છે કારણ કે લોકસભા બેઠક ગુમાવ્યા બાદ ભાજપે હવે વાવ વિધાનસભા બેઠકને જીતવા માટે મથામણ શરુ કરી છે. તમામ એક્શન પ્લાન ઘડી નાખ્યા છે, તો બીજી તરફ સાંસદ ગેનીબેનનો વટ ન જાય તે માટે કોંગ્રેસે પણ જીત માટે તમામ પ્રયાસો શરૂ હાથ ધર્યા છે.

ભાજપનો એક્શન પ્લાન

પેટા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે ત્રણ નિરીક્ષકોની પણ નિમણૂક કરી નાખી છે. ત્રણ નિરીક્ષકોમાં યમલ વ્યાસ, અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, સાથે જ પૂર્વ પ્રભારી મંત્રીને હટાવ્યા બાદ નવીન પ્રભારી મંત્રી તરીકે મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

બનાસ ડેરીના વહીવટ અંગેનો મુદ્દો ચર્ચામાં

લોકસભા ચૂંટણીમાં બનાસ ડેરીના મુદ્દાએ ભારી ચર્ચા જગાવી હતી જે બાદ હવે ફરી એકવાર કોંગ્રેસ બનાસ ડેરીના મુદ્દાને લઈને વાવ સીટ ઉપર મેદાનમાં ઉતરશે તેવી ચર્ચાઓ છે. સભાસદોને ન્યાય ના મળતો હોવાનું અને વહીવટમાં ક્યાંક કચાશ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ તેને મુદ્દો બનાવશે. બનાસ ડેરી સામે નિશાન સાધી તેનો મહત્વનો મુદ્દો બનાવી કોંગ્રેસ ચૂંટણી લડે તેવી ચર્ચા જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે

વાવ બેઠક પર ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને આ અંગેની જાહેરાત આમ આદમી પાર્ટીના ડૉ. રમેશ પટેલે કરી છે. રમેશ પટેલે વાવ સીટ ઉપરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે કોંગ્રેસનું ગઠબંધન તોડી આપ પાર્ટી એકલા હાથે વાવ સીટ ઉપર ચૂંટણી લડવા તૈયાર થઈ છે ત્યારે વાવ સીટ પર આગામી દિવસોમાં ત્રિપાંખિયો જંગ જામે તે નક્કી છે.

વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3 લાખ 10 હજાર 682 મતદારો

વાવ વિધાનસભા વિસ્તારમાં 15 ઑક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,682 મતદારોનો સમાવેશ થાય છે. વય મુજબ મતદારોની વાત કરીએ તો 18 થી 19 વર્ષના કુલ 12,823 મતદારો, 20 થી 29 વર્ષના કુલ 82,397 મતદારો, 30 થી 39 વય જૂથના કુલ 72,803 મતદારો, 40 થી 49 વય જૂથના કુલ 57,082 મતદારો, 50 થી 59 વય જૂથના કુલ 38,875 મતદારો, 60 થી 69 વય જૂથના કુલ 28,680 મતદારો, 70 થી 79 વય જૂથના કુલ 13,316 મતદારો તથા 80+ વય જૂથના કુલ 4,805 મતદારો નોંધાયા છે. આ સાથે કુલ 2581 P.W.D મતદારો નોંધાયા છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે.

વાવનો રાજકીય ઇતિહાસ

  • 1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
  • 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
  • 12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું
  • 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
  • 2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
  • 2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા
  • 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
  • 2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી
  • 2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા
  • 2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી
  • ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા
  • ગેનીબેને MLA પદેથી રાજીનામું આપતા બેઠક ખાલી

શું કહે છે જાતિ સમીકરણ?

જાતિ-જ્ઞાતિનું સમીકરણની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે 30 હજાર દલિત મતદારો, 43 હજાર ચૌધરી મતદારો, મુસ્લિમ મતદારો 14,500, બ્રાહ્મણ મતદારો 15,000, ઠાકોર મતદારો 44,000 રબારી મતદારો 19,000 અને 41 હજાર રાજપૂત મતદારો છે. વાવ વિધાનસભાના કુલ 321 પોલીંગ સ્ટેશન છે. કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે, એ પણ એક હકીકત છે.

સંભવિત ઉમેદવારો

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે.પી.ગઢવી, બીજુ નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજુ નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો જુદા-જુદા સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને એમની જીતને જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી શકે છે. ભાજપની વાત કરીએ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી ટિકિટિ માટે સૌથી વધુ દાવેદાર ગણવામાં આવે છે. તો બીજી તરફ કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ, ગજેન્દ્રસિંહ રાણા પણ નામની પણ ચર્ચામાં છે. જો કે ટિકિટનો અંતિમ ફેસલો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે.

હવે જયારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે ફરીવાર તમામ જાતિના મતદારોના કોંગ્રેસને આશીર્વાદ મળશે. કોંગ્રેસ જેને ટિકિટ આપશે એને જીતાડવા અમે લડીશું. તો ભાજપના ડીસાના ધારાસભ્યએ પણ વાવ બેઠક પર કમળ ખીલવાની વાત કરી. હવે જોવુ રહ્યુ કે કોણ બાજી મારે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button