બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢથી વિરમપુર જવાનો અંદાજે 12 કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં 3 વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરુના થતાં સ્થાનિક વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. રોડ પર અડધું કામ પતી ગયુ છે, જોકે બાકી કામ પૂરુના કરવામાં આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
અર્બુદા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કામ શરૂ કરાયું હતું
ઈકબાલગઢથી વિરમપુર અને અંબાજીના 30 ગામને જોડતો માર્ગ છેલ્લા અઢી વર્ષથી લોકોના માટે મુશ્કેલીનો માર્ગ બની રહ્યો છે. અઢી વર્ષે અગાઉ 5 કરોડથી વધુના ખર્ચે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડનું કામ શરૂ કરાયું હતું. અર્બુદા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કામ શરૂ કરાયું હતું. પરંતુ માત્ર મેટલ પાથરી અને કામ અધૂરું છોડી દેવાયું છે. ત્યારે આ વિસ્તારના આ રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને હાલ આ અધૂરા રોડ પર ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોનું કહેવું છે કે રોડ ખરાબ હોવાના કારણે ધીમુ ચાલવું પડે છે.
રોડ ઉપર મોટામોટા ખાડા પડી ગયા
તાત્કાલિક જરૂરિયાતના સમયે રોડ પરથી પસાર થતા મુશ્કેલી પડે છે અને વાહનોના ટાયર અને વાહનોને પણ નુકસાન થાય છે. ત્યારે અહીંના સ્થાનિકોની માગણી છે કે આ રોડનું કામ સત્વરે પૂર્ણ થાય તો હાલાકીનો સામનો ના કરવો પડે બીજી તરફ ઈકબાલગઢથી કપાસિયાને જોડતો પણ માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ ઉપર મોટામોટા ખાડા પડી ગયા છે, જ્યાં નાના નાના પુલ બનાવવામાં આવ્યા છે, ત્યાં પણ ખાડા પડી ગયા છે, જેના કારણે અનેક વાહન ચાલકો ખાડામાં પટકાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે. ત્યારે ઈકબાલગઢથી કપાસિયા જતા રોડ ઉપર પડેલા ખાડાઓને ઝડપથી પૂરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માગ
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂરના ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમીરગઢના ઈકબાલ ગઢથી વિરામપુરનો માર્ગ પણ બનાવવામાં આવી રહ્યો છે. જોકે રોડ બનાવવાની કામગીરી બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જોકે હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી. રોડ ઉપર મેટલ પાથર્યા છે અને બાકીના ડામરની કામગીરી અધૂરી છે, જે પૂરુ કરવામાં ના આવતા કંપનીને ટર્મીનેટ કરી અન્ય એજન્સીને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સ્થાનિક લોકોને અવર જવર તેમજ વાહન ચાલકોને વાહન લઈ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે લોકોની માગ છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે.
Source link