અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલા ઉત્તર ગુજરાતના સૌથી મોટા એચએફ ગાયોના લે-વેચના સિઝનના અંદાજે રૂ.100 કરોડના વેપારને મંદીનો મોટો ફટકો પડતાં ઉત્તર ભારતના રાજ્યોમાંથી આવતા ગાયોના વેપારીઓ નવરાધૂપ થઈ ગયા છે.
હજુ ગઈ સાલ જ દર મંગળવારે રોજનો લગભગ દોઢ કરોડ રૂપિયાનો વેપાર થતો હતો ત્યાં આ વર્ષે કાગડા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.છેલ્લા કેટલાક વર્ષોમાં અરવલ્લી જિલ્લાનું બાયડ એચએફ ગાયોના વેચાણનું અને વેપારનું સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌથી મોટુ બજાર તરીકે ઉભર્યું હતુ. બાયડ શહેરના ચોઈલા રોડ પર ખેડૂતોએ તબેલાઓ માટે ભાડેથી જગ્યા આપતા જોતજોતામાં અહીં એચએફ ગાયોના 40થી વધુ વિશાળ તબેલાઓ ઉભા થઈ ગયા છે. બાયડના ચોઈલાના રહીશ અને એચએફ ગાયોના વેચાણ- વેપાર સાથે સંકળાયેલા વેપારી સલીમ મનસુરીએ જણાવ્યું કે, આજની તારીખે બાયડ ઉત્તર ગુજરાતનું એચએફ ગાયોનું લે-વેચનું સૌથી મોટું બજાર ગણાય છે. હજુ ગઈ સાલ સુધી તો અહીં પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, જયપુર મંડીથી ગાયોના ટ્રકોના ટ્રકો ભરીને વેપારીઓ અહીં વેપાર અર્થે આવતા હતા. ચોમાસામાં પ્રથમ વરસાદથી એટલે કે જુલાઈના પ્રારંભથી સિઝનની શરૂઆત થતી હતી. આ સિઝન છેક બીજા વર્ષે માર્ચના અંત સુધી ચાલતી હતી.
લગભગ નવેક મહિનાના સમયગાળામાં અંદાજે રૂ. 100 કરોડ આસપાસનો વેપાર થતો હતો. અહીંથી ગાયો ખરીદવા માટે અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, મહિસાગરના લુણાવાડા, ખેડા, આણંદ, સાબરકાંઠાના ઈડર, અરવલ્લીના ભિલોડા એમ સમગ્ર રાજ્યભરમાંથી ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ પશુપાલકો, ખેડૂતો ગાયો ખરીદવા આવતા હતા. બાયડની ગાયોની આ મંડીમાં એક સમયે એક સાથે 400 ઉપરાંત ગાયો વેચાણ અર્થે પશુપાલકોને જોવા મળતી હતી. પશુપાલકો દરેક તબેલાઓમાં ફરીને ગાયોની પસંદગી કરતાં હતા. વેપારીના જણાવ્યા પ્રમાણે એક ટ્રકમાં દસ ગાયો લેખે માલ ઉતરતો હતો. સરેરાશ એક ગાયની રૂ. 50 હજારની કિંમત લેખે સિઝનમાં 20 હજારથી 25 હજાર ગાયોનું વેચાણ થતુ હતુ. જે લેખે અહીં એક જ સિઝનમાં વેપારીઓ અંદાજે રૂ. 100 કરોડથી રૂ. 125 કરોડનો વેપાર કરતા હતા.
દર મંગળવારે અહીં મેળો ભરાતો. એક જ દિવસમાં લગભગ રૂ. 1 કરોડથી રૂ. 1.50 કરોડનો ગાયોનો વેપાર થતો હતો. આજે સ્થિતિ એ છે કે અઠવાડીયામાં માંડ એકાદ ટ્રક આવે છે. ગાયોના વેચાણ પાછળ આવેલી મંદીના મુખ્ય કારણો અલગ- અલગ મનાય છે. પરંતુ ગાયોના દૂધના ઓછા ભાવ અને સામે પશુઆહારના વધી રહેલા ભાવ, ગામડાંઓમાં ગાયોના વેચાણના ઉભા થઈ રહેલા નાના- મોટા કેન્દ્રો વગેરે મુખ્ય કારણો હોવાનું વેપારીઓનું માનવું છે.
વર્ષ 2022માં તબેલાઓમાં ખરવા-મોવાસાનો રોગ ફેલાતાં 300 આસપાસ પશુ મોતને ભેટયાં હતાં
વેપારીઓના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2022માં તબેલાઓમાં ખરવા- મોવાસાનો રોગ ફેલાતા 300 આસપાસ પશુ મોતને ભેટયા હતા. આ સમસ્યા ન આવે તે માટે અહીં આવતા પશુઓનું રસીકરણ થયુ છે કે કેમ ? તેની ચકાસણી પશુપાલન વિભાગ કરે તો રોગચાળો તબેલાઓમાંથી તાલુકાના અન્ય ગામોમાં ફેલાતો અટકાવી શકાય. એચએફ ગાય સરેરાશ એક ટંકનું 12થી 15 લીટર દૂધ આપતી હોય છે. જેની સામે ગીર, કાંકરેજી જેવી દેશી ગાયો ઓછુ દૂધ આપતી હોઈ પશુપાલકો વધુ દૂધ ઉત્પાદનની લાલચમાં એચએફ ગાયો તરફ વળી રહ્યા છે. પરંતુ દેશી ગાયોનું દૂધ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ હોય છે. જ્યારે વિદેશી ગાયો ગરમીમાં રહી શક્તી નથી. પરિણામે દૂધ ઉત્પાદન પણ ઘટી જતુ હોય છે.
Source link