ભાવગનર શહેરના જવાહર મેદાન ખાતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાવણ દહનનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલા જ રાવણના પૂતળાનું દહન થઈ ગયું હતું. કુંભકર્ણ અને મેઘનાદ પહેલા જ રાવણના પૂતળાનું દહન થઈ ગયું હતું.
આતશબાજી દરમિયાન ફટાકડાના તણખાથી રાવણનું પૂતળું સળગી ગયું
તમને જણાવી દઈએ કે દર વર્ષે સિંધી સમાજ દ્વારા ભાવનગરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેનના હસ્તે રાવણના પૂતળાનું દહન કરવાનું હતું પણ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ રાવણના પૂતળાનું દહન થઈ ગયું હતું. આતશબાજીમાં ફૂટી રહેલા ફટાકડાનો તણખો રાવણના પૂતળાને અડી જતા રાવણનું પૂતળું ભળભળ સળગી ઉઠ્યું હતું. ત્યારે આ રાવણનું પૂતળું અચાનક જ સળગી ઉઠતા લોકોમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાનમાં રાવણના પુતળાનું દહન
મહેસાણાના ખેરાલુમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાનમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પહેલા દશેરા પર્વ નિમિત્તે રામજી મંદિરથી વિજયયાત્રા નીકળી હતી અને મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાનમાં પહોંચી હતી. શ્રી હિન્દુ સંગઠન શસ્ત્ર પૂજન મહોત્સવના બેનર હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો અને રામ લક્ષ્મણ હનુમાનના પાત્ર સાથે બગીમાં બેસીને યાત્રા નીકળી હતી. આ દરમિયાન ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રાવણનું દહન થતાં ‘જય શ્રી રામ’ના નારા લાગ્યા
મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાનમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને મેદાનમાં આશરે 21 ફુટની ઉંચાઈનું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. જેને જોવા માટે શહેરમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને રાવણનું દહન થતાં જ લોકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.
Source link