અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માંના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ અંબાજીમાં માં અંબાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા છે અને જગતની સુખાકારી માટે પ્રાર્થના કરી છે.
ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોને ફ્રીમાં મુસાફરી કરાવવી જોઈએ: સાંસદ ગેનીબેન ઠાકોર
આ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે એસ.ટી. વિભાગ પર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ફ્રીમાં મુસાફરી ભક્તોને કરાવવી જોઈએ. પરીક્રમા મહોત્સવ વખતે ભક્તોને ફ્રીમાં અંબાજી લાવો છો તો ભાદરવી મહા મેળામાં ભકતો પાસે વધુ ભાડું કેમ વસૂલ કરો છો. ભાદરવી મહામેળામાં પણ ભકતોને ફ્રીમાં મુસાફરી કરાવવી જોઈએ તેવી માગ સાંસદે કરી હતી. આ સાથે જ વધુમાં ગેનીબેને જણાવ્યું હતું કે ગરીબ ભક્તો પાસે વધુ ભાડું ન લેવું જોઈએ અને મફતમાં મુસાફરી કરાવવી જોઈએ.
ત્રિશુળિયા ઘાટથી પોલીસ પરિવારની પદયાત્રા
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે. સાત દિવસીય આ ભાદરવી મહાકુંભના ત્રણ દિવસ નિર્વિઘ્ન સંપન્ન થયા છે અને આજે મહા કુંભનો ચોથો દિવસ છે, ત્યારે સમગ્ર ભાદરવી મહા કુંભમાં આવનારા લાખો માઈ ભક્તોની સુરક્ષાની જવાબદારી જેમને શિરે છે તેવી બનાસકાંઠા પોલીસે મેળાના ત્રણ દિવસ નિર્વિઘ્ન સંપન્ન થતાં દાંતા નજીક ત્રિશુળિયા ઘાટેથી અંબાજી સુધીની પદયાત્રા યોજી છે. જેમાં જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા સહિત બનાસકાંઠા પોલીસ હેડ ક્વાર્ટર સ્ટાફ સાથે પદયાત્રામાં જોડાયા છે. જિલ્લા પોલીસ વડા પોતાના પરિવાર સાથે ત્રિશુળિયા ઘાટથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી મેળાના આગામી ત્રણ દિવસ પણ નિર્વિઘ્ન સંપન્ન થાય તેવી પ્રાર્થના કરશે.
જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી ધામ
તમને જણાવી દઈએ કે અંબાજીના તમામ માર્ગો જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા છે અને સમગ્ર અંબાજીમાં હાલમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. મહાકુંભના ચોથા દિવસે અંબાજી જતા પદયાત્રીઓનો અંબાજીના માર્ગો પર જમાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો સહિત અન્ય લોકો પણ જય જય અંબેના નાદથી તમામ શેરીઓ ગુંજી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે માં અંબાના ભક્તો દૂર દૂરથી પગપાળા આવીને અંબાજી પહોંચી રહ્યા છે અને માંના આર્શીવાદ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના આર્શીવાદ મેળવ્યા છે.
Source link