- ઉપરવાસમાં વરસાદને પગલે ભાખરવડ ડેમ બીજી વાર ઓવરફ્લો
- નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
- જાનડી, ઘુમટી, આબેચા સહિત 11 ગામોને એલર્ટ કરાયા
માળીયા હાટીના ભાખરવડ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માળીયાહાટીનો ભાખરવડ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા ચાર પાંચ દિવસ થઈ માળીયાહાટીના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
વહીવટી તંત્ર પણ ખડેપગે તૈનાત
ત્યારે આ વિસ્તારમાં ચાર દિવસમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે પણ દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડ્યા છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ભાખરવડ, માળીયા હાટીના, જાનડી, ધુમટી, આબેચા, ખૌરાસા, ધણેજ સહિતના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર પણ ખડેપગે તૈનાત છે સાથે જ ગમે તેવી આફતને પહોંચી વળવા સક્ષમ છે. ત્યારે બીજી તરફ જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયો છે. ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદને પગલે સિઝનમાં બીજી વખત સરોવર ઓવરફ્લો થયું છે.
જૂનગઢના જોષીપરા અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી
જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી અને સાથે સાથે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રસ્તો ડાયવર્ટ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો હતો, ત્યારે મહત્વનું છે કે દર ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લાંબા દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. પાણીમાં ગટરના પાણી ભળી જતા હોય છે અને પાણીમાંથી ખુબ જ દુર્ગંધ આવે છે અને મચ્છરોની સમસ્યા પણ વધે છે, પરિણામે રોગચાળો પણ શહેરમાં વકરે છે પણ તંત્ર ઘોર નિદ્રામાંથી બહાર આવતુ નથી.
માણાવદરમાં વૃદ્ધનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
માણાવદરમાં એક વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોયલાણા ઘેડના વાડી વિસ્તારમાં વૃદ્ધ ફસાયા હતા. છેલ્લા બે દિવસથી પાણી વચ્ચે વૃદ્ધ ફસાયા હતા. ત્યારે સીપરાલી નદી નજીકથી વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. SDRFની ટીમે દિલધડક કામગીરી કરી છે અને હાલમાં વૃદ્ધને સલામત સ્થળે ખસેડાયા છે.
Source link