- ખૂનવગા વિસ્તારમાં પાડી અને વાછરડા પર હુમલો
- જમીન પર દીપડાના પંજા જોવા મળતા પાંજરાં મૂકવામાં આવ્યાં
- બનાવને પગલે ગામમા દહેશતનો માહોલ છવાઈ ગયો છે અને ખેતરમા જતા ગભરાટ અનુભવી રહ્યા છે
જંબુસર તાલુકાના મગણાદ ગામે ઢાઢર નદી કાંઠે આવેલી ખુનવગામા દીપડાએ બે પશુઓનુ મારણ કરતા ભયનો માહોલ છવાયો હતો.
મગણાદ ગામે ખુનવગા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગોહિલની ભેંસ બચ્ચા સાથે ઘર બહાર બાંધી હતી. ત્યારે દીપડાએ ભેંસના બચ્ચા ઉપર હુમલો કરી મારણ કર્યુ હતુ. આ ઉપરાંત વાઘજીભાઈ રબારીના વાછરડા ઉપર હુમલો કરી તેનું પણ મારણ કર્યુ હતુ. તેમજ રાત્રીના સમય દરમીયાન રાજુભાઈ શનાભાઈ ઠાકોરના ગાયના બચ્ચા પર હુમલો કરતા વાછરડુ ગંભીર રીતે ઘાયલ થયું હતું. નાના વાછરડાએ બુમાબુમ કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને દીપડાના પંજામાંથી વાછરડાને ઈજા ગ્રસ્ત હાલતમાં બચાવ્યુ હતું.
બનાવને પગલે ગામમા દહેશતનો માહોલ છવાઈ ગયો છે અને ખેતરમા જતા ગભરાટ અનુભવી રહ્યા છે. મગણાદ ગામના ઈન્ચાર્જ સરપંચે જંબુસર વનવિભાગને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા જમીન પર દીપડાના પંજા જોવા મળતા તેઓએ દીપડાને પકડવા મારણ મુકી પાંજરા ગોઠવ્યા છે.
Source link