લીંબડી તાલુકાના ભથાણ ગામે આવેલી પ્રાથમીક શાળામાં છેલ્લા 6 માસથી ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો નથી. ત્યારે સોમવારે વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કરીને બેનર સાથે શિક્ષકોની માંગ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમીક શાળાઓમાં શિક્ષકોની ઘટએ મુખ્ય પ્રશ્ન છે. તેમાં પણ બદલી કેમ્પો બાદ અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. જેના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યુ છે. આવી જ પરીસ્થીતી લીંબડી તાલુકાના ભથાણ ગામની પ્રાથમીક શાળા છે. ભથાણની પ્રાથમીક શાળામાં ધો. 6 થી 8માં છેલ્લા 6 માસથી ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો જ નથી. આથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. વારંવાર શાળાના આચાર્ય દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં શિક્ષકો મુકાતા નથી. બીજા સત્રની શરૂઆત દિવાળી બાદ થઈ ચુકી છે. જયારે વાર્ષીક પરિક્ષાને આડે હવે ટુંકો સમય રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના આ બન્ને વિષયના અભ્યાસક્રમ પણ પુરા થયા નથી. આથી સોમવારે વિદ્યાર્થીઓએ હમારી માંગ પુરી કરો, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો આપોના બેનરો સાથે શાળા પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યા હતા. રાજય સરકાર એક તરફ પ્રાથમીક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા શિક્ષણ પર ભાર મુકી રહી છે. બીજી તરફ અંતરીયાળ ગામડાઓની શાળાઓમાં શિક્ષકો પુરતા હોતા નથી. જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
Source link