GUJARAT

Bhavnagar: ચિત્રકારે બે રંગના ઉપયોગથી શિવજીની વિવિધ મુદ્રાઓના 251 ચિત્ર બનાવ્યા

  • વર્ષ-2006માં સોમનાથથી શરૂ થયેલી શિવભકિત યાત્રા 18માં વર્ષે ભાવનગર પહોંચી
  • ગોપનાથ મંદિરે કાલથી ત્રણ દિવસ દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતું શિવ દર્શન- ચિત્ર પ્રદર્શન
  • ચિત્રકારે ભગવાન શિવજીની વિવિધ મુદ્રાઓને અંકિત કરતાં 251 ચિત્રો બનાવ્યા

પવિત્ર શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે. ત્યારે અમદાવાદના શિવભક્ત ચિત્રકારે માત્ર બે રંગોથી બનાવેલા અને દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રોનું “શિવ દર્શન- ચિત્ર પ્રદર્શન” આગામી તારીખ 31થી સતત ત્રણ દિવસ માટે ભાવનગર જિલ્લાના પ્રાચીન ગોપનાથ મંદિરના સાનિધ્યમાં યોજાશે.

ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રો બનાવ્યા

ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલા અતિ પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિર પરિસરમાં આગામી તા.31ને શનિવારે સવારે 10 કલાકથી શિવદર્શન- ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થશે અને તા.2 સપ્ટેમ્બરને સોમવારે પૂર્ણાહૂતિ થશે. અમદાવાદમાં પાન પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા અને ચિત્રો બનાવવાની કોઈપણ પ્રકારની તાલીમ વગર માત્ર શિવકૃપાથી જ માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કરી ચિત્રકાર હસમુખભાઈ પટેલે ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રો બનાવ્યાં છે.

તમામ જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન કરાયું હતું

દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રોના પ્રદર્શન શિવ દર્શનનો પ્રારંભ વર્ષ-2006માં શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતેથી થયો હતો. ત્યારબાદ તમામ જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.

દર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં નિ:શુલ્ક શિવ દર્શનનું આયોજન થાય છે

બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કર્યા બાદ ચિત્રકારે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં યોજવા પ્રકલ્પ લીધો હતો. જેના ભાગરૂપે આ વર્ષે ભાવનગર જિલ્લાના તળાજા નજીક દરિયાકાંઠે આવેલા પ્રાચીન મંદિર ગોપનાથ મહાદેવમાં શિવ દર્શનનું આયોજન કરાયું છે. ભગવાન શિવનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે દર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં નિ:શુલ્ક શિવ દર્શનનું આયોજન થાય છે. તેમ ચિત્રકાર હસમુખભાઈએ જણાવ્યું હતું. શિવભક્તો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીના વિવિધ સ્વરૂપના દર્શન કરી શકે તેવા હેતુથી યોજાતો શિવ દર્શનનો કાર્યક્રમ આ અગાઉ ધંધુકા નજીકના ભીમનાથ મહાદેવ અને બોટાદ નજીકના ઘેલા સોમનાથ ખાતે પણ યોજાઈ ચૂકયો છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button